મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) સંસ્થા એશિયા કપ-2023 સ્પર્ધાનું આયોજન પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશમાં યોજે એવી ધારણા છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી અને એસીસીના ચેરમેન જય શાહે ગયા વર્ષે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય ટીમ એશિયા કપમાં રમવા માટે પાકિસ્તાન નહીં જાય. આ સ્પર્ધા કોઈ તટસ્થ સ્થળે યોજવી જોઈએ એવી માગણી પણ તેમણે કરી હતી. એશિયા કપ પાકિસ્તાનમાં ન યોજવા માટે બીસીસીઆઈના નિર્ણયને શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટેકો આપ્યો છે.
એશિયા કપ-2023 સ્પર્ધા નિર્ધારિત સમયપત્રક મુજબ આ વર્ષના સપ્ટેમ્બરમાં રમાવાની છે.
પાકિસ્તાને ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાનમાં નહીં આવે તો પોતાની ટીમ ત્યારબાદ આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે.
પાકિસ્તાનને બદલે એશિયા કપ-2023નું આયોજન કરવા માટેની રેસમાં શ્રીલંકા બધા કરતાં આગળ છે. જોકે આ જ દેશ ગયા વર્ષે આર્થિક કટોકટીને કારણે પોતાને ત્યાં એશિયા કપ સ્પર્ધા યોજી શક્યો નહોતો, પરિણામે તેને યૂએઈમાં રમાડવી પડી હતી.