મેચ જલદી ખતમ કરવાનો મૂડ બનાવી ચૂક્યો હતો સૂર્યકુમારઃ વઢેરા

મુંબઈઃ IPL 2023ની 54મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે RCB પર ધમાકેદાર જીત હાંસલ કરી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 200 રનના લક્ષ્યને હાસંલ કરવા માટે MIએ ધામાકેદાર પ્રારંભ કર્યો હતો. MIએ આ મેચ છ વિકેટથી જીતી લીધી હતી. ટીમના બેટ્સમેન નેહલ વઢેરાએ કહ્યું હતું કે તેની ઉપલા ક્રમે બેટિંગ કરવી એ મજાનું હતું. સૂર્યકુમારની સાથે બેટિંગ કરવાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.

MIએ સૂર્યકુમારની મદદથી RCB સામે જીત હાંસલ કરીને IPLમાં 12 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે પહોંચી હતી. સૂર્યકુમારે અને નેહલ વઢેરાએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 140 રન ઉમેર્યા હતા. સૂર્યકુમારે 35 બોલમાં 83 રન બનાવ્યા હતા, જ્યારે વઢેરાએ 34 બોલમાં 52 રન બનાવ્યા હતા અને મુંબઈને વિજયી બનાવ્યું હતું. સૂર્યકુમારને વિસ્ફોટક ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મેચ પછી વઢેરાએ કહ્યું હતું કે સૂર્યભાઈ એક ટોચનો ખેલાડી છે અને હું તેમના શોટ્સની નકલ કરવાના પ્રયાસ કરું છું. જ્યારે અમે બેટિંગ કરતા હતા, ત્યારે હું તેમની સાથે વાતચીત કરી રહ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે જો આપણે બંને 15-16 ઓવર સુધી બેટિંગ કરીશું તો મેચને જલદી પૂરી કરી શકીશું. સૂર્યભાઈ બેટિંગ જોઈને હું પણ તેમની પાસેથી શીખ્યો અને બહું ખુશ છું, એમ તેણે કહ્યું હતું.