અર્શદીપના તે બે બોલથી બીસીસીઆઈને ગયું લાખો રૂપિયાનું નુકસાન

મુંબઈઃ ગઈ કાલે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ-2023ની મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને 13 રનથી પરાજય આપ્યો હતો. પંજાબની જીત તેના યુવાન ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આભારી છે, જેણે મેચની આખરી ઓવરમાં બે બોલમાં બે વિકેટ લીધી હતી. મુંબઈ ટીમને જીત માટે આખરી ઓવરમાં 16 રન કરવાની જરૂર હતી, અર્શદીપે બે બેટરને પેવિલિયનભેગા કરી દીધા હતા.

તે બે બોલની સોશિયલ મિડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આનું કારણ એ છે કે અર્શદીપે તે ઓવરના ત્રીજા અને ચોથા બોલમાં અનુક્રમે તિલક વર્મા અને નેહલ વાઢેરાને ક્લીન બોલ્ડ કર્યા હતા એટલું જ નહીં, પરંતુ બંનેની વિકેટ વખતે મિડલ સ્ટમ્પ તોડી નાખ્યા હતા. બે સ્ટમ્પ તૂટી જતાં નિયામક સંસ્થા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને રૂ. 25-30 લાખનું નુકસાન ગયું છે. અર્શદીપ પર જવાબદારી નાખવામાં આવી હતી કે મુંબઈના બેટર્સ આખરી ઓવરમાં જીત માટે 15 રન પણ કરી ન જાય. અર્શદીપે તે કામગીરી સુપેરે પાર પાડી બતાવી હતી. પંજાબનો આ વિજય બીસીસીઆઈને મોંઘો પડી ગયો. અર્શદીપે તેની 4 ઓવરમાં 29 રન આપીને કુલ 4 વિકેટ લીધી હતી. પંજાબ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 214 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 201 રન જ કરી શકી હતી. કેમરન ગ્રીનના 67, સૂર્યકુમાર યાદવના 57 અને કેપ્ટન રોહિત શર્માના 44 રનની મહેનત ફોગટ ગઈ હતી.

પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ ટીમ સાતમાંથી ચાર મેચ જીતીને હાલ પાંચમા નંબરે છે જ્યારે મુંબઈ ટીમ 6માંથી 3 મેચ હારી જતાં સાતમા નંબરે છે. સ્પર્ધાની ફાઈનલ મેચ 28 મેએ રમાશે.