મોટેરા સ્ટેડિયમાં યોજાશે IPL-2020 ખેલાડીઓની તાલીમ શિબિર

અમદાવાદઃ અત્રેનું સરદાર પટેલ સ્ટેડિયમ, જે 1 લાખ 10 હજારની ક્ષમતાને કારણે વિશ્વમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, એ આઈપીએલ-2020ના આરંભ પૂર્વેની એક તાલીમ શિબિર માટે ભારતીય ક્રિકેટરોનું યજમાન બને એવી ધારણા છે.

એક અહેવાલ મુજબ, ભારતના 26 ખેલાડીઓ અને 11 સપોર્ટ સ્ટાફ સભ્યો બાયો-સિક્યોર વાતાવરણમાં આ સ્ટેડિયમમાં તાલીમ લેશે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સૂત્રને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે રીનોવેશન કરાયા બાદ મોટેરા સ્ટેડિયમમાં સુવિધાઓ ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત હોવાથી આ શિબિરના આયોજન માટે અમદાવાદે ધરમશાલાને પાછળ રાખી દીધું છે.

અમદાવાદના આ નવા સ્ટેડિયમને આશરે 10 કરોડ ડોલર (686 કરોડ રૂપિયા)ના ખર્ચે બાંધવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ કરતાં પણ આ મોટું છે. MCG સ્ટેડિયમમાં 1 લાખ લોકો બેસી શકે છે.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 70 કોર્પોરેટ બોક્સીસ, ચાર ડ્રેસિંગ રૂમ્સ, એક વિશાળ ક્લબહાઉસ અને એક ઓલિમ્પિક કદનો સ્વિમિંગ પૂલ બનાવાશે. આનું બાંધકામ 2017ના જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

આ જ સ્ટેડિયમમાં આ વર્ષના ફેબ્રુઆરીમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, એમના પત્ની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં હતાં.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ચેરમેન બ્રિજેશ પટેલ જાહેરાત કરી ચૂક્યા છે કે આઈપીએલ-2020 (અથવા આઈપીએલ-13) આવતી 19 સપ્ટેંબર અને 8 નવેંબર વચ્ચે યુએઈમાં રમાશે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડને આ માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. બંને ક્રિકેટ બોર્ડ સ્પર્ધા યોજવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત સરકાર તરફથી લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે.

આઈપીએલ-13 માટે ખેલાડીઓને ઓછામાં ઓછા ત્રણથી ચાર સપ્તાહના સમયની જરૂર પડે.

સ્પર્ધાની તારીખો અને સ્થળ અંગે એક વાર સત્તાવાર સમર્થન મળી જાય તે પછી બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓ માટે ટ્રેનિંગ કેમ્પની વિગતો જાહેર કરશે.