અમદાવાદની ટીમ આઈપીએલ-2022માં ભાગ નહીં લે?

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની આગામી, વર્ષ 2022ની આવૃત્તિ માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝને પણ માન્યતા આપવામાં આવી છે. આ નવી ટીમના માલિકો-સંચાલકો ટીમમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શ્રેયસ ઐયર, શિખર ધવન જેવા ખેલાડીઓને કરારબદ્ધ કરવાની તૈયારીમાં છે એવા અહેવાલો હતા, પરંતુ સ્પર્ધામાં અમદાવાદ આઈપીએલ ફ્રેન્ચાઈઝની હાજરીના મુદ્દે અસ્પષ્ટતા જણાય છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ અમુક અઠવાડિયા પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે આઈપીએલ સ્પર્ધા હવે 8ને બદલે 10 ટીમની થશે. અમદાવાદ અને લખનઉ ટીમોનો ઉમેરો કરાયો છે. આ બંને ટીમ આઈપીએલ-2022માં ભાગ લેશે. પરંતુ એક અહેવાલ અનુસાર, બીસીસીઆઈએ અમદાવાદ આઈપીએલ ટીમનું સંચાલન કરનાર આઈરેલીયા કંપની પ્રા.લિ. (સીવીસી કેપિટલ પાર્ટનર્સ)ને હજી સુધી પરવાનગી આપી નથી. સીવીસી કેપિટલને ગઈ 25 ઓક્ટોબરે અમદાવાદ આઈપીએલ ટીમ માટેના બિડની વિજેતા ઘોષિત કરાઈ હતી. તેણે રૂ. 5,625 કરોડની સૌથી ઊંચી બોલી લગાવી હતી. પરંતુ, હવે આઈપીએલમાં સીવીસી કેપિટલના સહભાગી થવા અંગે અમુક સવાલો ઉઠ્યા છે. આનું કારણ છે કે સટ્ટાખોરી (બેટીંગ) પ્રવૃત્તિઓ કરતી એક કંપનીમાં સીવીસી કેપિટલનું કથિત ઈન્વેસ્ટમેન્ટ. સીવીસી કેપિટલને અમદાવાદ ટીમના ઓનરશિપના મુદ્દે ટેન્ડર હકો આપવાનું વિલંબમાં પડ્યું છે. આઈપીએલના ભૂતપૂર્વ વડા લલિત મોદીએ ખાનગી ઈક્વિટી કંપની સીવીસી કેપિટલ પાર્ટનર્સને આઈપીએલ ફ્રેન્ચાઈઝી આપવા સામે સવાલ ઉઠાવ્યો છે. ભારતમાં બેટીંગ પ્રવૃત્તિઓને કાયદેસર માન્યતા અપાઈ નથી.

લખનઉ ફ્રેન્ચાઈઝ RPSG ગ્રુપને ફાળે ગયું છે. તેણે લખનઉ ટીમને રૂ. 7,090 કરોડમાં ખરીદી છે. આઈપીએલ-2022 માટે ખેલાડીઓની હરાજી યોજાય તે પૂર્વે 3 ખેલાડીને પોતાની રીતે પસંદ કરી લેવા બે નવી ટીમ – અમદાવાદ અને લખનઉને એક ડેડલાઈન (25 ડિસેમ્બર સુધી) અપાશે.

https://twitter.com/LalitKModi/status/1453026843188158467