અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમતમાં ભારતનો વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત છવાઈ ગયો. એણે એના આગવી સ્ટાઈલમાં લડાયક અને કાઉન્ટર-એટેકિંગ બેટિંગ વડે શાનદાર સેન્ચુરી (101) ફટકારતાં ભારત ઈંગ્લેન્ડ પર પહેલા દાવમાં સરસાઈ મેળવી શક્યું છે. દિવસની રમતને અંતે ભારતે તેના પહેલા દાવમાં 7 વિકેટે 294 રન કર્યા હતા અને ઈંગ્લેન્ડ પર અત્યાર સુધીમાં 89 રનની લીડ હાંસલ કરી છે. પ્રવાસી ટીમનો પહેલો દાવ ગઈ કાલે 205 રનમાં પૂરો થયો હતો. સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. પંતે ઘરઆંગણાની ટેસ્ટ મેચમાં આ પહેલી જ સદી ફટકારી છે.
પંતને બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો સરસ સાથ મળ્યો હતો. બંનેએ 7મી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી જેને કારણે જ ભારતની સ્થિતિ મજબૂત થઈ શકી. પંતે 118 બોલનો સામનો કર્યો હતો જેમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. એણે વ્યક્તિગત 94ના સ્કોર પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની ત્રીજી સદી છે. પંતની વિકેટ પડ્યા બાદ સુંદરે ટીમનો ગઢ સંભાળી રાખ્યો હતો. તેણે 96 બોલમાં પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી. દિવસને અંતે તે 60 રન કરીને અને અક્ષર પટેલ 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આ બંને વચ્ચે અત્યાર સુધીમાં 35 રનની ભાગીદારી થઈ ચૂકી છે. ભારતે એક વિકેટે 24 રનના તેના ગઈ કાલના અધૂરા દાવને આજે સવારે આગળ વધાર્યો હતો, પણ ચેતેશ્વર પૂજારા 17 રન કરીને, રોહિત શર્મા 49, કેપ્ટન વિરાટ કોહલી ઝીરો પર, અજિંક્ય રહાણે 27 અને રવિચંદ્રન અશ્વિન 13 રન કરીને આઉટ થયો હતો.