હસીનામાંથી સાઈનાઃ શ્રદ્ધા કપૂરનાં રૂપમાં મોટા પડદા પર જોવા મળશે સાઈનાની સિદ્ધિઓ

 એક છે, બેડમિન્ટન કોર્ટની માનીતી સ્ટાર, તો બીજી છે રૂપેરી પડદા પરની પોપ્યૂલર સ્ટાર. આ બંને સ્ટારનાં મિલનથી ખેલકૂદપ્રેમીઓ અને ફિલ્મીરસિયાઓને જોવા મળવાની છે એક રસપ્રદ હિન્દી ફિલ્મ ‘સાઈના’


હૈદરાબાદનિવાસી સાઈના નેહવાલ દેશ-વિદેશમાં અવ્વલ દરજ્જાનું બેડમિન્ટન રમીને, ટ્રોફીઓ-મેડલ્સ જીતીને પરિવાર તથા દેશનું નામ રોશન કરી રહી છે તો મુંબઈની ફિલ્મ યુવા અભિનેત્રી શ્રદ્ધા કપૂર મનોરંજનના ફિલ્ડમાં પોતાની અભિનય પ્રતિભા દર્શાવીને પોતાનો ચાહકવર્ગ વધારી રહી છે. મોટે ભાગે રૂપકડી, નમણી છોકરીનાં રોલ કરતી આવેલી શ્રદ્ધા આગામી ફિલ્મ ‘હસીના પારકર’ ફિલ્મમાં શિર્ષક ભૂમિકા ભજવી રહી છે. આવતી 22 સપ્ટેંબરે રિલીઝ થનારી ‘હસીના પારકર’માં એણે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગસ્ટર બહેન હસીનાનો રોલ અદ્દભુત રીતે ભજવીને સૌને ચોંકાવી ગઈ છે. ફિલ્મના ટ્રેલરે એને વ્યાપક વાહ-વાહ અપાવી છે. હવે શ્રદ્ધા એ ભૂમિકાથી સાવ વિપરીત, એક દેશ માટે સમર્પિત બેડમિન્ટન ખેલાડીનો રોલ કરીને પોતાની ટેલેન્ટ પ્રસ્તુત કરવા આવી રહી છે.

રૂપેરી પડદા પર શ્રદ્ધા બનવાની છે સાઈના નેહવાલ. હિન્દી ફિલ્મ માટે પોતાનો રોલ કરવા માટે શ્રદ્ધાની પસંદગી ખુદ સાઈનાએ જ કરી છે.

બેડમિન્ટન સ્ટાર બનવા માટે સાઈનાએ વર્ષોથી ઘણી મહેનત કરી છે અને એની પાસેથી હજી ઘણાં પરાક્રમો જોવાનાં બાકી છે. સાઈના એટલે કોમનવેલ્થ ગેમ્સ (2010), ડેન્માર્ક ઓપન, ચાઈના ઓપન, ઈન્ડોનેશિયા ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, સિંગાપોર ઓપન, ઈન્ડિયા ઓપન, સ્વિસ ઓપન, થાઈલેન્ડ ઓપન, મલેશિયા માસ્ટર્સ જેવી 20 સ્પર્ધાઓમાં વિજેતા ટ્રોફી જીતનાર, 2015ની વર્લ્ડ ચેમ્પિયનશિપ, ઓલ ઈંગ્લેન્ડ, ફ્રેન્ચ ઓપન સહિત 8 સ્પર્ધાઓમાં રનર-અપ રહી રજતચંદ્રક જીતનાર અને 2012ના લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય અને આ જ વર્ષની ગ્લાસગો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીતનાર અનુભવી ખેલાડી.

અર્જૂન એવોર્ડ, પદ્મશ્રી (2010), રાજીવ ગાંધી ખેલરત્ન (2010) અને પદ્મભૂષણ (2016) એવોર્ડથી સમ્માનિત સાઈનાની જિંદગી પરથી બાયોપિક હિન્દી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો

કોચ ગોપીચંદ સાથે ‘રીયલ’ સાઈના અને ‘રીલ’ સાઈના

કારકિર્દીને ઘડવા માટે સાઈનાએ વર્ષોથી જેમની પાસે પ્રોફેશનલ બેડમિન્ટનની તાલીમ લીધી છે તે ભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન અને વર્તમાન કોચ પુલ્લેલા ગોપીચંદ પાસે છેલ્લા અમુક મહિનાથી બેડમિન્ટનની તાલીમ શ્રદ્ધા પણ લઈ રહી છે. શ્રદ્ધા એનાં રોલને પરફેક્ટ રીતે ન્યાય આપી શકે એ માટે સાઈનાનાં કહેવાથી જ શ્રદ્ધાને ગોપીચંદ હૈદરાબાદસ્થિત એમની એકેડેમીમાં બેડમિન્ટનની તાલીમ આપી રહ્યા છે.

પહેલા એવા અહેવાલો હતા કે સાઈના બાયોપિકમાં ટાઈટલ ભૂમિકા દીપિકા પદુકોણ ભજવશે, જે પોતે ફિલ્મલાઈનમાં પ્રવેશતાં પહેલાં સ્પર્ધાત્મક બેડમિન્ટન રમી ચૂકી હતી, પણ સાઈના ખુદ કહે છે કે, મારી ભૂમિકા માટે શ્રદ્ધા હંમેશાં મારી પહેલી ચોઈસ હતી. ભૂમિકા ભજવવા માટે એ ખૂબ મહેનતુ રહી છે. આટલા ઓછા સમયમાં મારી રમતની સ્ટાઈલને સમજવાનું, અપનાવવાનું બહુ જ કઠિન છે, પણ શ્રદ્ધાએ પ્રેક્ટિસ સત્રમાં ખૂબ જ મહેનત કરીને એ શીખી લીધું છે. હું એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ છું.

શ્રદ્ધા સતત બીજી બાયોપિક કરી રહી છે. હસીના પારકર કરતાં સાઈના બાયોપિકને એ તદ્દન અલગ પ્રકારની અને ચેલેન્જિંગ માને છે.

અમોલ ગુપ્તે દ્વારા દિગ્દર્શિત અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ‘સાઈના’ બાયોપિકનું શૂટિંગ ખાસ કરીને હૈદરાબાદ, મુંબઈમાં કરાશે, તેમજ નિર્માતાએ અમુક અન્ય લોકેશન્સ પણ નક્કી કર્યાં છે. ફિલ્મ આવતા વર્ષના પ્રારંભમાં દેશના થિયેટરોમાં રિલીઝ થવાની ધારણા છે.

આ ફિલ્મમાં હરિયાણાની એક સામાન્ય બાળકીમાંથી ઓલિમ્પિક્સમાં ભારતને સૌપ્રથમ બેડમિન્ટનનો મેડલ અપાવનાર સાઈનાની જીવન સફરને દર્શાવવામાં આવશે.