અમદાવાદ: ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતે તેના નવરંગપુરા કેમ્પસમાં 60મા ઉદ્ઘાટન દિવસની ઉજવણી કરી હતી. વર્ષ 1965માં સ્થપાયેલી આ ક્લબે રમત-ગમત ક્ષેત્રે ગુજરાતની ઓળખ અને સામુદાયિક સંસ્કૃતિને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.આ સંસ્થાનો પાયો દુરદર્શીતા ધરાવતા અગ્રણી લીડર્સ અને સ્થાપક સભ્યોની પ્રતિબદ્ધતાથી નંખાયો હતો, જેમણે ફિટનેસ, ફેલોશિપ અને રમતગમત માટે એક સુવિધાયુક્ત કેન્દ્રિય સ્થાન બનાવવાની કલ્પના કરી હતી. ક્લબની સ્થાપત્ય પ્રતિભાને સુપ્રસિદ્ધ ચાર્લ્સ કોરિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ક્લબે તેના પ્રથમ પ્રમુખ ચિનુભાઈ ચીમનલાલને યાદ કર્યા, જેમણે 1963-67 સુધી સેવા આપી હતી. આની સાથે જ, જયકૃષ્ણ હરિવલ્લભદાસ (1967-70), અરવિંદ નરોત્તમભાઈ (1971-74) અને રોહિત મહેતા (1975) સહિત અન્ય ભૂતપૂર્વ પ્રમુખોને પણ યાદ કર્યા હતા, જેમણે સંસ્થાનો મજબૂત પાયો સુનિશ્ચિત કર્યો હતો.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન બનાવવાથી લઈને ઉચ્ચ કક્ષાની ટુર્નામેન્ટ અને તાલીમ શિબિરોનું આયોજન કરવા સુધી, ક્લબે હંમેશા રમતગમતને પ્રોત્સાહન આપવાનું પોતાનું ધ્યેય રાખ્યું છે. ઓલિમ્પિયન તરણવીર માના પટેલે આ જ ક્લબમાં સ્વિમિંગ શીખ્યું હતું. ગીત સેઠી અને અન્ય ઘણા ચેમ્પિયન પણ આ ક્લબમાંથી જ આગળ આવ્યા હતા. આઠ વખતના બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયન પદ્મશ્રી ગીત સેઠી, બે વખતના બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયન રૂપેશ શાહ અને ઓસ્ટ્રેલિયન ઓપન બિલિયર્ડ્સ ચેમ્પિયન ધ્વજ હરિયા, એ પ્રખ્યાત ખેલાડીઓમાંના એક છે, જેમણે આ ક્લબમાં પોતાની કુશળતા નિખારી છે.
ICC ચેરમેન જય શાહ, મહાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલ અને આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયન પંકજ અડવાણી પણ આ ક્લબના માનદ સભ્યો છે. સંસ્થાના પ્રમુખ એન. કે. પટેલે જણાવ્યું હતું કે, “સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, એ માત્ર એક સ્થળ નથી, પરંતુ તે એક લાગણી છે. 60 વર્ષની યાત્રાને શક્ય બનાવનાર દરેક સભ્ય સાથે આ સીમાચિહ્નની ઉજવણી કરવી એ ખરેખર અમારું સૌભાગ્ય છે.”
ડાયમંડ જ્યુબિલી નિમિત્તે, ક્લબે 60 વર્ષના ખાસ લોગોનું અનાવરણ કર્યું હતું અને તેની ઐતિહાસિક યાત્રા પર એક દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરી હતી. આની સાથે જ સંસ્થા દ્વારા વર્ષભર દરમિયાન ચાલનારી રમતગમત ટુર્નામેન્ટ્સ, યુવા ઉત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક સેવા ઝુંબેશ દર્શાવતા ઉજવણી/ઉત્સવ કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી હતી.
