અમદાવાદ: શેરી મહોલ્લા સોસાયટીઓ અને સંસ્થાઓ દ્વારા યોજાતા રાસ ગરબાની રમઝટના કાર્યક્રમોમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ વર્ષના ગરબાના ઉત્સાહભેર યોજાતા આયોજનોમાં અમદાવાદની ભવન્સ કોલેજના પ્રાંગણમાં એક અનોખા ગરબાનું આયોજન થયું હતું. જેમાં દિવ્યાંગ લોકો અને એમના પરિવારજનોએ રાસ ગરબાની મોજ માણી હતી.અમદાવાદ શહેરની દિવ્યાંગજનો માટે કામ કરતી ‘પી.એચ.એ. ઈન્ટરનેશનલ સંસ્થા’એ ભવન્સ કોલેજના કેમ્પસમાં નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન કર્યુ હતું. આ વખતે કોરિયોગ્રાફર કુશ બેંકર અને ટીમે આપેલા પરફોર્મન્સ સાથે દિવ્યાંગ સભ્યો અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પી.એચ.એ. ઈન્ટરનેશનલ દ્વારા વર્ષ 2011થી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અંદાજે 700 જેટલાx ગુજરાત અને મહારાષ્ટ્રના દિવ્યાંગ લોકો ભાગ લેતા હોય છે.
આ વર્ષે રાસ ગરબાના ભવ્ય આયોજનમાં યુવાન આઈ.પી.એસ. સફિન હસન જે મોટિવેશનલ સ્પીકર તરીકે પણ ખુબ જાણીતા છે એમની વિશેષ ઉપસ્થિતિ હતી. યુવાન પોલીસ ઓફિસરે સૌની પાસે જઈ રાસ ગરબા માટે દાંડિયા આપ્યા. પરંપરાગત વેશભુષા, આભલા ભરતકામ સાથેની છત્રીઓ લઈ ગરબે ઝુમતા લોકો સાથે પોલીસ અધિકારી સફિન હસને સેલ્ફી પણ લીધી હતી.સામાજિક આગેવાનો, પોલીસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિથી દિવ્યાંગ લોકો માટે યોજાયેલા ગરબા મહોત્સવમાં ભાવ સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)