રાજકોટ: આગામી સોમવાર 5મી ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થઇ રહ્યો છે. 3જી સપ્ટેમ્બર સુધી પવિત્ર શ્રાવણ મહિનામાં શિવાલયો ભોલેનાથના નાદથી ગુંજી ઉઠશે. વર્ષો બાદ સોમવારથી શ્રાવણ માસનો આરંભનો યોગ આવી રહ્યો છે. આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણાહતિ પણ સોમવારે છે અને રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પણ સોમવારે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના દર્શેને લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા હોય સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે દર્શન, ભોજન અને પાર્કિંગ તેમજ આવાસ સહિતની સુવિધાઓ સરળતાથી મળે તે માટે તમામ તૈયારીઓને અંતિમ રૂપ અપાઈ ચૂક્યું છે.
સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગ્યે ખુલી જશે
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય મહોત્સવત્સવનો પ્રારંભ તા.05/08/2024 સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.03/09/2024 શ્રાવણ વદ અમાસના રોજ થશે. ત્યારે સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ-વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર દર વર્ષની જેમ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે. અન્ય દિવસોમાં સવારે 5.30 કલાકે મંદિર ખુલશે જે રાત્રે 10 વાગ્યે બંધ થશે. બપોરે પણ મંદિરના દ્વાર દર્શન માટે ખુલ્લા જ હોય છે.વૃદ્ધો અશક્ત યાત્રિકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેર, મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સિનિયર સીટિઝન અને દિવ્યાંગો માટે નિશુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે. વધારાનો સ્ટાફ, સુપરવાઇઝર, પંડિતજી સહિતની ટીમ દ્વારા અહીં ધ્વજા પૂજા, પાઘ પૂજા, કળશ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ, સંકલ્પ, સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવશે. પૂજા માટે સંકીર્તન ભવન વન સ્ટોપ સોલ્યુશન બનશે.શ્રાવણના પ્રારંભ સાથે શ્રીરામ કથા અને શ્રાવણના ઉત્તરાર્ધમાં સોમનાથ શિવ કથા યોજાશે.
ઓનલાઈન પૂજાની વ્યવસ્થા
- સોમનાથમાં શ્રાવણ માસ દરમ્યાન માત્ર 25 ₹ માં “મહામૃત્યુંજય યજ્ઞ” કરી શકાશે.
- મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં માત્ર 25 ₹ ની રાશી દ્વારા ભક્તોને યજ્ઞ માટે આહૂતિ દ્રવ્ય, રક્ષા કંકળ, અને યજ્ઞમાં યજમાન બનવાનું પુણ્ય મળે છે.
- પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ
- તા.12/07/2024 થી શ્રાવણ માસની અમાસ 03/09/2024 ની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/
BilvaPooja/ અથવા આપેલ QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન માટે - ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficial ટ્વીટર @Somnath_Temple યુટ્યુબ SomnathTemple-Official Channel ઇન્સ્ટાગ્રામ @SomnathTempleOfficial વોટ્સએપ ચેનલ somnath temple offical તથા ટેલીગ્રામમાં 9726001008 અને ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)