નવી દિલ્હીઃ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વર્ષોથી ચાલતા રાજદ્વારી તણાવ પછી, આ મુલાકાત બંને દેશોના સંબંધોને ‘રિસેટ’ કરવા અને વેપાર તેમ જ સુરક્ષા સહકારના નવા અધ્યાયની શરૂઆત તરફનું મોટું પગલું માનવામાં આવે છે.
બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં લાંબા ગાળાના યુરેનિયમ સપ્લાય માટે એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને દેશો નાના મોડ્યુલર રિએક્ટર અને અદ્યતન રિએક્ટર ટેકનોલોજી પર સાથે મળીને કામ કરશે.કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું કે ગત દાયકામાં વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારત દુનિયાની સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બની ગયું છે. અહીં પ્રતિ વ્યક્તિ આવકમાં થયેલો વિકાસ ઇતિહાસમાં ખૂબ ઓછા દેશોમાં જોવા મળ્યો છે. કેનેડા પણ તમારા આ ઉત્સાહ અને હેતુની ભાવનાને શેર કરે છે. નવા યુગમાં સફળતાનો માર્ગ 2023ની તમારી G20 અધ્યક્ષતાના વિષય ‘One Earth, One Family, One Future’માં સ્પષ્ટ રીતે દેખાય છે, કારણ કે આપણા સમયના પડકારોને કોઈ એક દેશ એકલો ઉકેલી શકતો નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગત વર્ષે કેનેડા અને ભારતની સરકારો વચ્ચે જે સંવાદ થયો છે, તે છેલ્લા બે દાયકામાં થયેલા તમામ સંવાદ કરતાં વધુ રહ્યો છે. આ માત્ર સંબંધોના પુનઃસ્થાપન સુધી સીમિત નથી, પરંતુ નવા ઉત્સાહ, ધ્યાન અને દૂરદર્શિતાથી એક મૂલ્યવાન ભાગીદારીના વિસ્તરણનું પ્રતિનિધિત્વ કરે છે. આ બે આત્મવિશ્વાસી દેશો વચ્ચેની એવી ભાગીદારી છે, જે પોતાનું ભવિષ્ય પોતાની રીતે નક્કી કરી રહ્યા છે.
Addressing the joint press meet with PM Mark Carney of Canada.@MarkJCarney https://t.co/p0PVHPlw0k
— Narendra Modi (@narendramodi) March 2, 2026
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે બંને દેશોના સંબંધોની સૌથી મોટી શક્તિ લોકો વચ્ચેનો સંપર્ક છે. આજે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આરોગ્ય, કૃષિ અને નવીનતા જેવાં ક્ષેત્રોમાં અનેક યુનિવર્સિટીઓ વચ્ચે નવી ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, કેનેડિયન યુનિવર્સિટીઓ દ્વારા ભારતમાં કેમ્પસ શરૂ કરવા અંગે પણ સહમતી થઈ છે. આદિવાસી અને જનજાતિ સમુદાયો અમારી સંયુક્ત સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે, અને સાંસ્કૃતિક આપ-લે વધારવા માટે બંને પક્ષો વચ્ચે એક એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
વેપાર અને યુરેનિયમ અંગે મોટી ડીલની શક્યતા
આ બેઠકનો મુખ્ય એજન્ડા આર્થિક અને ઊર્જા સુરક્ષા પર કેન્દ્રિત રહ્યો હતો. આશા છે કે કેનેડા ભારતને યુરેનિયમની સપ્લાય વધારવા માટે એક મોટા કરારની જાહેરાત કરશે, જે ભારતની પરમાણુ ઊર્જાની જરૂરિયાત માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બંને નેતાઓએ એક વેપાર કરારની રૂપરેખા તૈયાર કરી છે, જેનો હેતુ 2030 સુધી દ્વિપક્ષી વેપારને બમણો કરીને 70 અબજ કેનેડિયન ડોલર સુધી પહોંચાડવાનો છે. બંને દેશોએ વેપારમાં અમેરિકા પર વધતી નિર્ભરતા ઘટાડવા અને સપ્લાય ચેઇન મજબૂત બનાવવા પર સહમતી વ્યક્ત કરી છે.


