શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મની લોન્ડરિંગના કેસમાં સમન્સ

મુંબઈઃ મુંબઈની એક વિશેષ કોર્ટે વેપારી રિપુ સુદાન કુંદ્રા- જેને રાજ કુંદ્રા તરીકે ઓળખવામાં આવે છે, તેને રૂ. 6600 કરોડની “ગા બિટકોઇન” પોન્ઝી સ્કીમ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યાં છે. કોર્ટે કુંદ્રા અને અન્ય એક આરોપી રાજેશ સતીજાને 19 જાન્યુઆરી, 2026એ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

ED દ્વારા દાખલ કરવામાં આવેલા આ મની લોન્ડરિંગ કેસની શરૂઆત મહારાષ્ટ્ર અને દિલ્હી પોલીસે વેરિયેબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ અને અનેક અન્ય વ્યક્તિઓ સામે નોંધાયેલી અનેક FIR પરથી થઈ હતી, જેમાં હવે નિધન થયેલા અમિત ભારદ્વાજ પણ સામેલ છે.કેન્દ્રીય એજન્સી દ્વારા પૂરક આરોપપત્ર (Supplementary Prosecution Complaint) રજૂ કર્યા બાદ વિશેષ ન્યાયાધીશ આર.બી. રોટે આ આદેશ આપ્યો હતો. ઔપચારિક આદેશમાં ન્યાયાધીશે કહ્યું હતું કે આરોપી નંબર 17 રાજ કુંદ્રા અને આરોપી નંબર 18 રાજેશ રામ સતીજા સામે મની લોન્ડરિંગ રોકથામ અધિનિયમ (PMLA)ની કલમ 3 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવે, જે કલમ 4 હેઠળ દંડનીય છે.

EDના આરોપો

EDએ આરોપ લગાવ્યો છે કે પ્રમોટર્સે લોકોને દર મહિને 10 ટકા વળતર આપવાનું વચન કરીને બિટકોઇનમાં મોટી રકમ એકત્રિત કરી હતી. વાયદા મુજબ બિટકોઇન માઇનિંગ માટે આ નાણાંનો ઉપયોગ કરવાને બદલે, પ્રમોટર્સે રોકાણકારોને કથિત રીતે છેતર્યા હતા અને સંપત્તિઓને અજ્ઞાત ઓનલાઇન વોલેટ્સમાં છુપાવી દીધી.

તપાસ અનુસાર, કુંદ્રાએ યુક્રેનમાં માઇનિંગ ફાર્મ સ્થાપિત કરવાના હેતુથી મુખ્ય સૂત્રધાર અમિત ભારદ્વાજ પાસેથી કથિત રીતે 285 બિટકોઇન પ્રાપ્ત કર્યા હતા. એજન્સીનો દાવો છે કે આ બિટકોઇન ગુનાની આવકમાંથી મેળવવામાં આવ્યા હતા. સોદો ક્યારેય પૂર્ણ ન થયો હોવાથી, એજન્સીનો દાવો છે કે આ સંપત્તિ કુંદ્રા પાસે જ રહી, જેની કિંમત રૂ. 150 કરોડથી વધુ હતી. ગયા વર્ષે એજન્સીએ કુલ રૂ. 97.79 કરોડની સંપત્તિઓને અસ્થાયી રીતે જપ્ત કરી હતી, જેમાં કુંદ્રાની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામે જુહૂમાં આવેલ રહેણાક ફ્લેટ અને પુણેમાં આવેલો એક બંગલો પણ સામેલ છે.