શક્તિદૂત યોજનાએ ગુજરાત ટેબલ ટેનિસને વૈશ્વિક નકશા પર સ્થાન અપાવ્યું

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘શક્તિદૂત’ યોજનાને કારણે ટેબલ ટેનિસ રમતને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. આ યોજના રાજ્યના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને ગુજરાતને ભવિષ્યની રમતગમતની રાજધાની બનવાના વિઝનમાં એક મહત્વપૂર્ણ પગલું છેશક્તિદૂત યોજનાની સફળતાના ઉત્તમ ઉદાહરણોમાં પેડલર (ટેબલ ટેનિસ રમતના ખેલાડી) હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ 2024 પેરિસ ઓલિમ્પિક સહિત વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રમત-ગમત(સ્પોર્ટ્સ) ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ અને ગ્લોબલ ટુર્નામેન્ટ્સમાં શાનદાર જીત મેળવી છે.

અર્જુન પુરસ્કાર વિજેતા અને વર્તમાન વિશ્વ ક્રમાંક-72 ધરાવતા, હરમીત દેસાઈ વર્ષ 2007થી શક્તિદૂત કાર્યક્રમનો ભાગ રહ્યા છે. તેમણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને એશિયન ગેમ્સ અને એશિયન ટીમ ચેમ્પિયનશિપમાં ભારતની ટીમને બ્રોન્ઝ મેડલ અપાવવામાં વિશેષ યોગદાન આપ્યું હતું. માનવ ઠક્કર, જે હાલમાં વિશ્વમાં 48મો ક્રમાંક ધરાવે છે, તેઓ 2020માં વિશ્વમાં ટોચની રેંક ધરાવતા અંડર-21 ખેલાડી હતા. તેમણે કોમનવેલ્થ ચેમ્પિયનશિપ અને ઈન્ટરનેશનલ ડબલ્સ ઇવેન્ટ્સમાં ટાઇટલ જીતીને બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. વર્ષ 2014-15માં આ કાર્યક્રમમાં જોડાયેલા માનુષ શાહે તાજેતરમાં ટ્યુનિશિયામાં 2025 WTT કન્ડેન્સરમાં મિક્સ ડબલ્સ ગોલ્ડ જીત્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેમને રાષ્ટ્રીય ચેમ્પિયનનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

આ ત્રણેય ખેલાડીઓએ દક્ષિણ કોરિયા અને કઝાકિસ્તાનમાં અનુક્રમે 2023 અને 2024 માં યોજાયેલી એશિયન ટીમ ચેમ્પિયનશિપમાં ભારતના બ્રોન્ઝ-મેડલ જીતવાના પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના આ નોંધનીય પ્રદર્શનથી આ રમતમાં ગુજરાતના વધતા પ્રભાવને મજબૂતી મળી હતી. હરમીત અને માનવ બંને 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ભાગ રહ્યા હતા, જે ખરેખર રાજ્ય માટે એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી.

તેના ફળસ્વરૂપે, રાજ્યના પાયાના TT લેન્ડસ્કેપમાં, ખેલાડીઓની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) દ્વારા યોજાયેલી ટુર્નામેન્ટ્સમાં રજીસ્ટર થતી એન્ટ્રીઓ સતત વધી રહી છે. આ સંખ્યા વર્ષ 2016-17 દરમિયાન કુલ 6 ટુર્નામેન્ટમાં નોંધાયેલ 571 રમતવીરોથી વધીને વર્તમાન સિઝનમાં 3 ટુર્નામેન્ટમાં 660 સુધી પહોંચી ગઈ છે.

આ પરિવર્તન અંગે ગુજરાત સરકારના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “શક્તિદૂત યોજના ખરેખર, ગુજરાતમાં પાયાના સ્તરની રમતો માટે ગેમ-ચેન્જર બની રહી છે. વડાપ્રધાનનું વિઝન, ગ્રાસરૂટથી જ ખેલાડીઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું હતું. આ યોજનાએ ટેબલ ટેનિસમાં આપણી યુવા પ્રતિભાઓને કોચિંગથી લઈને પ્રદર્શન સુધી જરૂરી માળખાગત સપોર્ટ અને સહાય ઉપલબ્ધ કરાવી છે, જે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરવા માટે સક્ષમ બનાવે છે. હરમીત, માનવ અને માનુષની સફળતાનો ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો છે, કારણ કે છેલ્લા એક દાયકામાં આ રમતની રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં સહભાગીઓની સંખ્યા અને ભાગીદારીમાં વધારો થયો છે. 2006માં શરૂ થયેલી પહેલની સફળતાનું પ્રમાણ છે.”

ગુજરાત સરકારના રમતગમત સચિવ અશ્વિની કુમાર (IAS) એ ઉમેર્યું હતું કે, “ શક્તિદૂત જેવી યોજનાઓ ટેબલ ટેનિસ જેવી ઓછી ચર્ચિત રમતોમાં પણ ચેમ્પિયન તૈયાર કરી રહી છે. શક્તિદૂત યોજના અંતર્ગત, લક્ષિત માર્ગદર્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સાથે, ગુજરાતમાં ટેબલ ટેનિસમાં એક પોઝિટીવ પરિવર્તન આવ્યું છે. અમે ઘણા ટેબલ ટેનિસ ખેલાડીઓને ટેકો આપ્યો છે, જેમણે રાષ્ટ્રીય રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. અમને ગર્વ છે કે, ગુજરાત રમતગમતના વિકાસમાં એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે.”

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના સેક્રેટરી હરિ પિલ્લઈએ જણાવ્યું હતું કે, “હરમીત, માનવ અને માનુષ 2023 અને 2024માં પ્રતિષ્ઠિત એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમનો ભાગ હતા. આ ઉપરાંત, હરમીત અને માનુષ પેરિસ ઓલિમ્પિકમાં ત્રણ સભ્યોની ટીમનો પણ ભાગ રહ્યા હતા, જે ખરેખર, ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આવી સફળતાઓ મહત્વાકાંક્ષી ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે.”

ઓલિમ્પિયન અને અર્જુન પુરસ્કાર વિજેતા હરમીત દેસાઈએ કહ્યું કે, “કોઈ પણ ખેલાડીએ જો સફળતા મેળવવી હોય તો સખત પરિશ્રમ, દ્રઢ નિશ્ચય અને સમર્પણની ભાવના ખૂબ જ આવશ્યક છે. પરંતુ ઘણીવાર નાણાકીય સહાય વગર, સૌથી પ્રતિભાશાળી ખેલાડીને પણ પ્રગતિ કરવામાં સંધર્ષ કરવો પડી શકે છે. ખેલાડીને યોગ્ય તાલીમ સુવિધાઓ મળવી પણ ખૂબ જરૂરી છે. મારી માટે, શક્તિદૂત યોજના ખરેખર મહત્વપૂર્ણ રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સતત સપોર્ટ અને પ્રોત્સાહનને કારણે જ હું વર્ષોથી સતત રમી શક્યો છું.”