મુંબઈ: અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત સાથે જ ઈક્વિટી માર્કેટમાં પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. એશિયન બજારોમાં આકર્ષક તેજી જોવા મળી છે. ભારતીય શેરબજાર પણ નવી રેકોર્ડ ટોચ સાથે આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ 825.38 પોઈન્ટ ઉછળી 83,773.61ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ 25,600ના સ્તર પર પહોંચતા આજે ફરી નવી સર્વોચ્ચ સપાટી પાર કરી છે. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે.સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર એક શેરમાં ઘટાડો છે. BSE સેન્સેક્સના શેરમાં જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો ઉત્સાહિત છે. નિફ્ટી50ના 34 શેર્સ ગ્રીન ઝોનમાં જ્યારે 16 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એશિયન શેરબજારોમાં તેજી જોવા મળી છે. બીજી તરફ યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો.જેરોમ પોવેલે અમેરિકાની અર્થવ્યવસ્થા મુદ્દે સકારાત્મક વલણ રહેવાનો સંકેત આપ્યો છે. જેના પગલે આઈટી અને ટેક્નો શેર્સમાં તેજી જોવા મળી શકે છે. વ્યાજના દરોમાં ચાર વર્ષ બાદ ઘટાડો કરવામાં આવતાં ડોલર નબળો પડ્યો છે. પરિણામે સ્થાનિક બજારમાં વિદેશી રોકાણ વધવાનો આશાવાદ છે.