સેન્સેક્સ 855 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી બેન્ક નવા રેકોર્ડ સ્તરે

અમદાવાદઃ એશિયન બજારોમાં નબળાઈ અને ગિફ્ટ નિફ્ટીમાં નરમાઇ છતાં ઘરેલુ શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક રેકોર્ડ ઊમચાઈએ બંધ થયો હતો. નિફ્ટી બેન્ક સૌપ્રથમ વાર 55,000ને પાર થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં બે ટકાથી વધુની તેજી થઈ હતી. IT શેરોમાં પણ નોંધપાત્ર તેજી થઈ હતી. FMCG સિવાય બધા સેક્ટર ઇન્ડેક્સમા તેજી થઈ હતી.

નિફ્ટી 24,000ને પાર બંધ થયો હતો. BSEમાં લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરને પહોંચી શક્યું હતું. ગઈ વખતે એ આંકડો 20 જાન્યુઆરીએ પાર થયો હતો. દેશનું ઇક્વિટી બજાર સાત એપ્રિલે 4.5 લાખ કરોડના માર્કેટ કેપે ફસક્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 500 અબજ ડોલરથી અધિકની રિકવરી થઈ હતી.અમેરિકા અને ભારતની વચ્ચે વેપાર સમજૂતીની સંભાવનાની સકારાત્મકતા ચરમ પર છે. અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ હાલ ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે છે. બંને દેશો દ્વિપક્ષી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપવા માટે જુલાઈમાં સમયમર્યાદા પહેલાં કામ કરી રહ્યા છે. BSE સેન્સેક્સ 855 પોઇન્ટ ઊછળી 79,409ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી ઇન્ડેક્સ 269 પોઇન્ટ ઊછળી 24,120ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 1014 પોઇન્ટ ઊછળી 55,305ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 1317 પોઇન્ટ ઊછળી 53,917ના મથાળે બંધ થયો હતો.  

BSE પર કુલ 4208 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2298 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1320 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 167 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 73 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 33 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 356 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 152 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.