અમદાવાદઃ ટેરિફને લઈને બજારમાં અનિશ્ચિતતા જારી છે, ત્યારે ઘરલુ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે બે ટકાની તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી બેન્કમાં પણ બે ટકાથી વધુની તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.5 લાખ કરોડનો વધારો થયો હતો.
વીકલી એક્સપાયરીના દિવસે IT સિવાયના બધા ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. બેન્કિંગ, ઇન્ફ્રા, ફાર્મા, એનર્જી, ઓટો ઓઇલ એન્ડ ગેસ શેરોમાં તેજી થઈ હતી. બેન્કિંગ શેરોમાં લેવાલીને પગલે સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ મહિનાના ઉપલા સ્તરે બંધ થયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે 1509 પોઇન્ટની તેજી સાથે 78,553ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 414 પોઇન્ટ ઊછળીને 23,851ના મથાળે બંધ થયો હતો.
NSE પરના કામચલાઉ ડેટા મુજબ ગઈ કાલે FII ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે 3936.42 કરોડના શેર ખરીદ્યા હતા. જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે 2512.77 કરોડના શેર વેચ્યા હતા.
ઘરેલુ શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા રહ્યા છે, જ્યારે એશિયાનાં બજારોમાં મિશ્ર ટ્રેન્ડ રહ્યો હતો. જોકે બુધવારે ડાઉ જોન્સ 700 પોઇન્ટ તૂટીને 39,669.39 પર બંધ થયો હતો, જ્યારે નેસ્ડેક 516 પોઇન્ટ તૂટીને 16,307 બંધ થયો હતો.
BSE પર કુલ 4106 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 24295 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1520 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 157 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 83 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 33 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 356 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 152 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
