ટેરિફ વોર, મંદીની આશંકાએ સેન્સેક્સ 2200 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે વૈશ્વિક ખરાબ સંકેતોને કારણે ઘરેલુ શેરબજારમાં ખૂલતા જ ઝડપી મોટો ઘટાડો થયો હતો. ટેરિફ વોર વકરવાની અને મંદીની આશંકાએ બજારમાં કડાકો બોલી ગયો હતો. નિફ્ટીમાં 10 મહિનાનો મોટો ઘટાડો થયો હતો. રોકાણકારોના 13.4 લાખ કરોડ સ્વાહા થયા હતા. 543 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

વૈશ્વિક ટ્રેડ વોર વધવા અને અમેરિકામાં મંદી આવવાની આશંકાએ શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. ટ્રમ્પના ટેરિફનાં એલાનો અને એના પર ચીનની જવાબી કાર્યવાહીને પગલે બજારમાં હડકંપ લાવી દીધો હતો. સેન્સેક્સ એક તબક્કે 4000 પોઇન્ટ જેટલો તૂટી ગયો હતો. જોકે ટ્રેડિંગ સેશનને અંતે વેચાણો કપતાં સેન્સેક્સ 2226 પોઇન્ટ તૂટીને 73,137.90ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 742.85 પોઇન્ટ તૂટીને 22,161.60ના સ્તરે બંધ થયો હતો.

BSEના બધા સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ ઇન્ડેક્સ 3.5 ટકાથી વધુ નીચે સરક્યો હતો. મેટલ, રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરની તુલનાએ રૂપિયો 60 પૈસા તૂટીને 85.84ના સ્તરે બંધ થયો ગયો હતો.

નિફ્ટીના 50 ટકા શેરો ચાર ટકા નીચે બંધ થયા હતા. વોલેટિલિટી ઇન્ડેક્સ એટટલે કે ઇન્ડિયા VIXમાં એક દિવસમાં સૌથી મોટો વધારો થયો હતો. આ ઇન્ડેક્સ આશરે 70 ટકા વધ્યો હતો. રિયલ્ટી શેરોમાં છથી આઠ ટકાનો ઘટાડો થયો હતો.

BSE પર કુલ 4225 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 576 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3505 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 144 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 59 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 775 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા.