અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ વાઈલ્ડ લાઈફ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એક રસપ્રદ અને માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો અને વન્યજીવન વિશે વિસ્તૃત સમજણ મેળવી.
કાર્યક્રમ દરમિયાન વન્યજીવન નિષ્ણાત (Wildlife Expert) દ્વારા એક વિશેષ સેશન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓને ભારતના સમૃદ્ધ વન્યજીવન, વિવિધ પ્રાણી-પ્રજાતિઓ, તેમની ભૂમિકા અને સંરક્ષણના ઉપાયો વિશે વિસ્તૃત રીતે સમજાવ્યું. તેમણે વનવિહિનતા, પ્રદૂષણ, ગેરકાયદેસર શિકાર જેવી સમસ્યાઓના કારણે વન્યજીવન પર પડતા ખતરો અંગે પણ ચર્ચા કરી.
બાળકોને વન્યજીવન પ્રત્યે પ્રેમ અને સંરક્ષણની ભાવના જાગૃત કરવા માટે પ્રેરક વાર્તાઓ, વિડિઓઝ અને પ્રસ્તુતિઓ દ્વારા વિષયને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને અનેક જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નો પૂછીને પોતાની કુદરત પ્રત્યેની કૌતૂહલતા વ્યક્ત કરી.
આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને કુદરતી સંપત્તિનું સંરક્ષણ કરવાની ભાવના વિકસાવવામાં મદદ મળે છે. સાયન્સ સિટી દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પર્યાવરણલક્ષી અભિયાનો અને શૈક્ષણિક કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો પ્રયત્ન સતત ચાલુ રાખવામાં આવે છે.


