IPS અધિકારી સંજય કુમાર વર્મા બન્યા મહારાષ્ટ્રના નવા DGP

મહારાષ્ટ્ર: આઇ.પી.એસ. સંજય વર્માને કેન્દ્રીય ચૂંટણી આયોગે મહારાષ્ટ્રના નવા પોલીસ મહાનિર્દેશકના રૂપમાં નિયુક્ત કર્યા છે. રાજ્યના ડી.જી.પી. પદેથી રશ્મિ શુક્લાને હટાવ્યા બાદ નવા ડી.જી.પી. તરીકે સંજય વર્માને ચાર્જ સોંપવામાં આવ્યો છે. મહત્વનું છે કે 20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેની ફરિયાદ મળ્યા બાદ ડી.જી.પી. રશ્મિ શુક્લાની બદલીનો આદેશ અપાયો હતો. ચૂંટણી પંચે રાજ્ય સરકાર પાસેથી મહારાષ્ટ્ર કેડરના ત્રણ સૌથી વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નામ માગ્યા હતા. જેમાંથી એક સંજય વર્મા હતા. અન્ય બે વરિષ્ઠ અધિકારીઓ સંજીવ કુમાર સિંઘલ અને તેમના બેચમેટ રિતેશ કુમાર રેસમાં હતા.IPS સંજય વર્મા 1990 બેચના પોલીસ અધિકારી છે. હાલમાં મહારાષ્ટ્રમાં કાયદા અને ટેકનોલોજીના ડી.જી. તરીકે કાર્યરત છે. તેઓ એપ્રિલ 2028માં પોલીસ સેવામાંથી નિવૃત્ત થશે.

ડી.જી.પી. રશ્મિ શુક્લાને લઈને રાજકીય પક્ષોમાં છેલ્લાં કેટલાંક સમયથી વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસ બાદ ઉદ્ધવ જૂથની શિવસેનાએ પણ ચૂંટણી પંચને પત્ર લખીને તેમને હટાવવાની માગ કરી હતી. રશ્મિ શુક્લાની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે ચૂંટણી પંચને તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ તેમના પર ભાજપના આદેશ પર સરકાર માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.