દેશમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદનઃ ચાર વર્ષમાં સૌથી વધુ સ્ટોક

નવી દિલ્હીઃ આ વર્ષે ભારતમાં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચવાની અપેક્ષા છે. ફેબ્રુઆરીમાં તાપમાન થોડું વધુ રહ્યું (પાછલાં 100 વર્ષમાં બીજો સૌથી વધુ ગરમ ફેબ્રુઆરી), છતાં ઘઉં માટે “અનાજ ભરવાનો સમય” દરમિયાન હવામાન અનુકૂળ રહ્યું હતું. જેથી ઘઉઁનું ઉત્પાદન વધુ થયું છે.

ભારતીય ઘઉં અને જૌ સંશોધન સંસ્થાના ડિરેક્ટર રતન તિવારીએ જણાવ્યું કે આ વખતે હવામાન અનુકૂળ રહ્યું અને  મોટી આફત કે કરાં નથી પડ્યાં, જેથી ઘઉંમાં કોઈ મોટી બીમારી જોવા મળી નથી. એ સાથે જ ઉત્પાદકતા વધવામાં મદદ મળી છે.

હવે જ્યારે પાક સારો થયો છે, ત્યારે આટા મિલમાલિકોએ સરકારને ઘઉંનાં ઉત્પાદનોની નિકાસ પર લાગેલા પ્રતિબંધ હટાવવાની માગ કરી છે. રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નવનીત ચિતલાંગિયાએ કહ્યું કે થોડાં અઠવાડિયાં પહેલાં સુધી અમારી સંસ્થાએ આયાત કર ઘટાડવાની માગ કરી હતી, કારણ કે પાક અંગે ચિંતાઓ હતી, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

તેમનું કહેવું છે કે સરકારી ગોદામો ભરેલાં છે અને ખાનગી વેપારીઓ પાસે પણ પૂરતો સ્ટોક છે. આવી પરિસ્થિતિમાં સરકારને ઘઉંનાં ઉત્પાદનોના નિકાસને મંજૂરી આપવી જોઈએ. દેશમાં હવે ઘઉંની કાપણી અંતિમ તબક્કામાં છે.

ઘઉંનું ઉત્પાદન 117 મિલિયન ટનનો અંદાજ
અમેરિકી કૃષિ વિભાગ (USDA)ના અંદાજ મુજબ ભારતમાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે 117 મિલિયન ટન સુધી પહોંચી શકે છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ હશે. એનાથી દેશ પાસે સીઝનના અંતે છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ ઘઉંનો સ્ટોક રહેશે.

જો ભારતમાં ઘઉંનું ઉત્પાદન વધશે અને સરકાર નિકાસની મંજૂરી આપશે, તો તેની અસર વિશ્વભરના ઘઉંના ભાવ પર પડી શકે છે. જોકે આ મહિને વૈશ્વિક ઘઉંના ભાવોમાં અંદાજે ત્રણ ટકા વધારો થયો છે. ભારતમાં પણ આ કારણે ખોરાકની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

માર્ચમાં કૃષિ મંત્રાલયે અંદાજ લગાવ્યો હતો કે આ વર્ષે ઉત્પાદન 115.43 મિલિયન ટન સુધી જઈ શકે છે. ત્યારે ઘણા નિષ્ણાતોને શંકા હતી કારણ કે ત્યારે હવામાન વારંવાર બદલાઈ રહ્યું હતું.