સંસદમાં ટ્રમ્પની જાહેરાત, ભારત પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાશે

અમેરિકા: પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ યુ.એસ. કોંગ્રેસને સંબોધન કર્યું છે. સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબોધનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ “ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ” રહેવાની છે.

ટ્રમ્પની મોટી જાહેરાત 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું.  ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કેનેડા, ચીન અને મેક્સિકો જેવા દેશો પર પહેલાથી જ 25 ટકા જેટલા ટેરિફની જાહેરાત કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે હવે ભારતને પણ મોટો ફટકો પડવાની તૈયારી છે. ભારત વિશે ટ્રમ્પે કહ્યું કે, તે અમારા પર વધારે ટેક્સ અને ટેરિફ લગાવે છે જે અયોગ્ય છે. ભાષણમાં બે વખત ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે જાહેરાત કરી દીધી કે આગામી 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે. ભારત સહિત કેનેડા, મેક્સિકો, ચીન પર આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડશે. 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારતનો કર્યો ઉલ્લેખ 

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં ફરી એકવાર ભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કેનેડા, મેક્સિકો અને ભારત તથા દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલી રહ્યા હતા. જેના પર અમે કાર્યવાહી કરી છે.

ટ્રમ્પે અમેરિકાથી સહાય મેળવતા દેશોની ચિંતા વધારી 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમારાથી જે જે લોકો આજ સુધી પૈસા લેતા આવ્યા છે તેમનાથી હવે વસૂલી કરવાનો ટાઈમ આવી ગયો છે. અમે એ પૈસા વસૂલ કરીશું અને અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં લાવીશું. અત્યાર સુધી હું બાઈડેનની ખરાબ નીતિઓની અસરથી દેશને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યો હતો.