સિમલાઃ હિમાચલ કોંગ્રેસના નવા અધ્યક્ષની નિમણૂકને લઈને રાજકારણમાં ગરમાટો છે. દિલ્હી પ્રવાસ પરથી પરત આવેલાં પ્રતિભા સિંહે અનૌપચારિક વાતચીતમાં કહ્યું હતું કે જો વીરભદ્ર સિંહના વારસાની અવગણના કરવામાં આવશે તો કોંગ્રેસ સંગઠનને તેનું નુકસાન પણ ભોગવવું પડશે.
પ્રતિભા સિંહે દિલ્હીમાં પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠકમાં પણ તેમણે આ વાત કરી હતી. પ્રતિભા સિંહે જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેમના કહેવા પર જ વીરભદ્ર સિંહના વારસાને ધ્યાનમાં રાખીને તેમને પક્ષ દ્વારા અધ્યક્ષની મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.તેમણે જણાવ્યું હતું કે પક્ષમાં અધ્યક્ષને લઈને ચર્ચા થઈ ગઈ છે. હાઈકમાન્ડે તેમનો પક્ષ સાંભળ્યો છે. આશા છે કે જલદી નિર્ણય લેવામાં આવશે. પ્રતિભા સિંહે કહ્યું હતું કે રાહુલ અને ખડગેએ વિશ્વાસ આપ્યો છે કે ટૂંક સમયમાં સંગઠન બનાવી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મજબૂત નેતા બનવો જોઈએ, માત્ર ‘રબર સ્ટેમ્પ’ અધ્યક્ષ ન બનવો. પ્રતિભા સિંહે કહ્યું હતું કે તેમના સિવાય તમામ મંત્રીઓએ પણ રાહુલ ગાંધી સમક્ષ પોતાની વાત રજૂ કરી છે.
પ્રતિભા સિંહે જણાવ્યું હતું કે સંગઠન રચવામાં થતા વિલંબનો મુદ્દો તેમણે રાહુલ ગાંધી સમક્ષ ઉઠાવ્યો છે. પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. હજી સુધી અમે સંગઠનને લઈને નિર્ણય કરી શક્યા નથી. તેમણે જણાવ્યું હતું કે સંગઠન વગર પક્ષની પ્રવૃત્તિઓ ઠપ પડી ગઈ છે. જો કોઈ વિરોધ પ્રદર્શન અથવા રેલી કરવી હોય તો તેઓ કરી શકતા નથી.પ્રતિભા સિંહે જણાવ્યું હતું કે તેમણે સરકારમાં નિમણૂકોનો મુદ્દો ઘણી વાર CMએ સમક્ષ ઉઠાવ્યો છે. તેમને ખબર નથી કે કોઈ કારણસર પક્ષ કાર્યકરોની નિમણૂક થઈ શકી નથી. તેઓ વારંવાર સંગઠનના લોકોની ભલામણ કરતી રહી છે. પક્ષના પ્રભારી સમક્ષ પણ આ વાત વારંવાર રજૂ કરી છે.
