નવી દિલ્હીઃ રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા કરતાં મહત્ત્વના રેપો રેટ (વ્યાજ દરો)માં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. જેને કારણે રેપો રેટ 5.50 ટકાથી ઘટીને 5.25 ટકા પર આવી ગયો છે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે મોંઘવારી રેકોર્ડ નીચલા સ્તરે છે. બેન્કના આ નિર્ણયથી હોમ લોન, ઓટો લોનની EMI ઘટશે.
રેપો રેટ ઓછો થવાની સીધી અસર સામાન્ય લોકોની ખિસ્સાં પર પણ પડે છે. હોમ લોન, કાર લોન અને બીજી રિટેલ લોનની EMI આવતા સમયમાં ઓછી થશે. જોકે બેન્કો આ રાહત ગ્રાહકો સુધી કેટલી ઝડપથી પહોંચાડે છે તે જોવાનું રહેશે.આ કાપથી બજારમાં પણ સકારાત્મક માહોલ સર્જાવાની આશા છે કારણ કે ઓછા વ્યાજ દરો રોકાણ અને ખર્ચ બંનેને પ્રોત્સાહિત કરે છે. કુલ મળીને RBIનું આ પગલું વૃદ્ધિને આગળ ધપાવવાના અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપવા તરફનો મોટો સંકેત માનવામાં આવે છે.
RBIએ પોતાની પોલિસીમાં GDP વૃદ્ધિના અંદાજમાં વધારો કર્યો છે. હવે FY26 માટે RBI 7.3 ટકાની વૃદ્ધિ અંદાજી છે
શહેરી માગ, રોકાણ અને કૃષિ – ત્રણેય મોરચાઓ પર મજબૂત સંકેત
RBI ગવર્નરે પેલિસીમાં સ્પષ્ટ રીતે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા અનેક મોરચાઓ પર સારું પ્રદર્શન કરી રહી છે. દેશમાં શહેરી માગમાં સતત સુધારો થઈ રહ્યો છે, એટલે કે શહેરોમાં ખરીદી, સેવાઓની માગ અને વપરાશ ઝડપથી વધી રહ્યો છે. તેનો સીધો અર્થ એ છે કે અર્થતંત્રમાં ફરીથી ચેતનાનો સંચાર થઈ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે રોકાણ પ્રવૃત્તિઓમાં મજબૂતી આવી રહી છે. કંપનીઓના કેપેક્સ પ્લાન્સ, નવા પ્રોજેક્ટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધી રહ્યો છે. જેને કારણે આગામી સમયમાં રોજગાર, ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધુ તેજી આવવાની અપેક્ષા છે. કૃષિ ક્ષેત્ર વિશે પણ તેમણે સકારાત્મક સંકેત આપ્યા હતા. રવી અને ખરીફ – બંને સીઝનમાં વાવેતર સારું થયું છે, જે આગળ જઈને અન્ન ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે.




