15 મી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે હોળીના તહેવાર નિમિત્તે ઈતિહાસમાં પહેલી વાર તમામ પક્ષના ધારાસભ્યો વિધાનસભાના પરિસરમાં હોળી-ધૂળેટીની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પક્ષના ધારાસભ્યો સાથે મળીને એક બીજાને હોળીના રંગ લગાવી રંગોના તહેવારની ઉજવણી કરશે. જોકે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલી વાર પોતાના રાજકીય વિચારોને નેવે મૂકીને આ રીતે હોળીની ઉજવણી સૌ ધારાસભ્યો સાથે મળીને ઉજવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને પરિસરમાં ધૂળેટી રમવા માટે પરવાનગી પણ આપી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક બીજા પર રંગ નાંખીને ધૂળેટીના તહેવારની ઉજવણી કરશે. ધૂળેટીની ઉજવણી માટે 100 કિલો કેસૂડાના ફૂલ પણ મંગાવવામાં આવ્યાં છે.
એકતરફ કેમિકલયુક્ત રંગોથી લોકો ધૂળેટીમાં એકબીજા પર રંગ લગાડતા હોય છે ત્યારે પ્રાકૃતિક રંગોથી પારંપરિક રીતે ધૂળેટી રમવામાં આવે તેવો સંદેશ ધારાસભ્યો જનતાને આ કાર્યક્રમ થકી આપશે. મંગળવારે વિધાનસભા પરિસરમાં આવેલા મેદાનમાં આ ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે જેમાં તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે અને ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરશે. 15 મી વિધાનસભાનું આ સત્ર પૂર્ણ થયા બાદ તમામ ધારાસભ્યો અને સચિવાલયના અન્ય કર્મીઓ સાથે એક ક્રિકેટ મેચનું આયોજન પણ થવાનું છે ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરી બધા ધારાસભ્યોને કઈક અલગ કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે.