અયોધ્યાઃ રામ મંદિરના દાનની રકમની ચોરીની તપાસ આગળ વધતી જતાં નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે મામલો શેરબજારમાં રોકાણ, વ્યાજે પૈસા આપવાની પ્રવૃત્તિ અને જમીનમાં રોકાણ સુધી પહોંચ્યો છે. પોલીસ સૂત્રોનો દાવો છે કે રામ મંદિરના ચઢાવામાંથી કાઢવામાં આવેલી રકમ માત્ર ખર્ચવામાં જ આવી નહોતી, પરંતુ તેને વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સગાંસંબંધીઓનાં ખાતાંઓ મારફતે પૈસા ફેરવવામાં આવ્યા, શેરોમાં રોકાણ કરવામાં આવ્યું અને વ્યાજે રકમ ચલાવવાના આરોપો પણ સામે આવ્યા છે. હવે તપાસ એજન્સીઓ આ સમગ્ર નાણાકીય જાળની એક-એક કડી જોડવામાં વ્યસ્ત છે.
ચોરીના પૈસાને મૂડીરોકાણમાં ફેરવવાનો આરોપ
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર પૂછપરછ દરમિયાન આરોપી અનુકલ્પ મિશ્રા અને સહ-આરોપી અવિનાશે કથિત રીતે સ્વીકાર્યું છે કે ચઢાવામાંથી કાઢવામાં આવેલી રકમનો એક ભાગ શેરબજારમાં રોકાયો હતો. ઉપરાંત, કેટલીક રકમ વ્યાજે પણ આપવામાં આવી હતી જેથી તેમાંથી વધારાની કમાણી થઈ શકે. જોકે પોલીસ આ નિવેદનોની પુષ્ટિ કરવા માટે રોકાણ સંબંધિત રેકોર્ડ, ડીમેટ ખાતાઓ અને બેંક વ્યવહારોની તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે નાણાકીય દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી બાદ જ આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.

સગાંસંબંધીઓના ખાતાઓ મારફતે ફેરવાયા પૈસા
તપાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ કથિત “મની ટ્રેલ” છે. પોલીસનો દાવો છે કે રકમ સીધી આરોપીઓના ખાતાઓમાં રાખવામાં આવી નહોતી. પહેલાં પૈસા સગાસંબંધીઓ અને નજીકના લોકોનાં બેંક ખાતાંઓમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ અલગ-અલગ સમયે એ જ રકમ પાછી આરોપીઓનાં ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
તપાસ એજન્સીઓનું માનવું છે કે આ રીતનો ઉપયોગ પૈસાના મૂળ સ્ત્રોતને છુપાવવા માટે કરવામાં આવ્યો હતો. એ કારણે અત્યાર સુધીમાં 30 બેંક ખાતાંઓ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં આ ખાતાઓમાં ખાતાધારકોની જાણીતી આવક કરતાં ઘણી વધુ લેવડદેવડ જોવા મળી હોવાનું કહેવાય છે. હવે બેંક સ્ટેટમેન્ટ, આવકવેરા રેકોર્ડ અને અન્ય નાણાકીય દસ્તાવેજોની તુલના કરવામાં આવી રહી છે.




