રાજકોટમાં 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ, આજી ડેમ ઓવરફ્લો

રાજકોટ: સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યુ છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરુપ બતાવ્યુ છે. રાજકોટમાં મંગળવારે વહેલી સવારે ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં મોટાભાગના એરિયામાં પાણી ભરાયા છે. પરિણામે સૌરાષ્ટ્ર સૌથી મોટા ગણાતા રાજકોટના મેળાને બંધ રાખવાની ફરજ પડી છે.રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાતા  મહિલા કોલેજ અંડરબ્રિજ બંધ કરાયો છે. રેલનગર અંડરબ્રિજ અને પોપટપરા અંડરબ્રિજ બંધ કરાયા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્રની અપીલ છે. છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શહેરમાં તાત્કાલિક અસરથી BRTS સેવા બંધ કરી દેવાઇ છે. અનેક ઈમરજન્સી સેવાના ફોન નંબર પણ ઠપ થયા છે.રાજકોટમાં ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની માહિતી મળી રહી છે. વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.