રાહુલ ગાંધીનો પાકિસ્તાનમાં ખૂબ જ જયજયકારઃ  ભાજપ

નવી દિલ્હીઃ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કડક આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ બહારથી કોંગ્રેસ વર્કિંગ કમિટી છે અને અંદરથી પાકિસ્તાન વર્કિંગ કમિટી છે. દરરોજ એક નેતા આવે છે અને પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપે છે. આતંકવાદી હુમલો થયો ત્યારથી દરરોજ સૈફુદ્દીન સોઝ કહે છે કે આપણે પાકિસ્તાનની વાત માનવી જોઈએ, આપણે પાકિસ્તાનનું પાણી બંધ ન કરવું જોઈએ. સિદ્ધારમૈયાએ રડવાનું શરૂ કરી દીધું છે.

તેમણે કહ્યું હતું કે જો કોઈ સ્ટ્રેટેજી જણાવવામાં આવે તો બધા પીડબ્લ્યૂસી (પાકિસ્તાન વર્કિંગ કમિટી)ના સભ્યો ત્યાં જઈને બધું જણાવી દે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે  રાહુલ ગાંધીનો પાકિસ્તાનમાં ખૂબ જ જયજયકાર થઈ રહ્યો છે. જાતિ ગણતરી અંગે રાવલપિંડી એલાયન્સના લોકો પ્રશ્નો ઉઠાવે છે તો કહું કે આપના કાર્યકાળ દરમિયાન જેટલી વાર સેન્સસ થઈ, એક વાર પણ જાતિ ગણતરી ન કરવામાં આવી. બધા સેન્સસ તો તમે કરાવ્યા હતા, તો જાતિ ગણતરી કેમ ન કરી? જાતિ ગણતરી ક્રેડિટ નહીં, પરંતુ ડેબિટનો વિષય છે.

ભાજપના સાંસદે કહ્યું હતું  કે હમણાં એક ઇન્ટરવ્યુમાં મેં હિમંત બિસ્વા શર્માને એ કહેતા સાંભળ્યું કે કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતા અટારી સરહદ પાર કરીને 15 દિવસ સુધી પાકિસ્તાનમાં રહ્યા હતા. પકડાય નહીં એ માટે તેમણે કોઈ ફ્લાઈટ પણ લીધી ન હતી. તેઓ 15 દિવસ સુધી ઇસ્લામાબાદમાં રહ્યા હતા. હિમંત બિસ્વા શર્માએ તો આ પણ કહ્યું કે તેમનાં બાળકો પણ ભારતના નિવાસી નથી.

તેમણે વધુમાં કહ્યું હતું  કે બહારથી તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) છે, પણ અંદરથી તેઓ પાકિસ્તાન વર્કિંગ કમિટી (PWC) છે. ગઈ કાલે CWCની બેઠક થઈ હતી અને કેટલાક ઠરાવો પસાર કરાયા હતા. ત્યાર પછી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને પંજાબના ભૂતપૂર્વ CM ચરણજિત સિંહ ચન્નીએ કહ્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ ક્યારેય સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી ન હતી. કોંગ્રેસ પાકિસ્તાની આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાને ઓક્સિજન આપવાનો એક પણ મોકો ચૂકતી નથી.