પંજાબ પોલીસે 3 મહિના પછી શંભુ-ખનૌરી બોર્ડર ખાલી કરાવી

નવી દિલ્હી: પંજાબ પોલીસે 13 મહિના બાદ હરિયાણા-પંજાબની શંભુ અને ખનૌરી બોર્ડર ખાલી કરાવી દીધી છે. અહીં વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવવામાં આવ્યા છે. આ દરમિયાન 200 ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતો દ્વારા બનાવેલા શેડને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા. પંજાબ પોલીસની કાર્યવાહી બાદ આવતીકાલે હરિયાણા પોલીસ પણ બંને બોર્ડર પર પહોંચશે. ત્યાર બાદ સિમેન્ટના બેરિકેડ દૂર કરવામાં આવશે. આ પછી શંભુ બોર્ડરથી જીટી રોડ વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે.

આ પહેલા, બુધવારે શંભુ અને ખનૌરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 7મા રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પીયૂષ ગોયલ અને પ્રહલાદ જોશી સહિત ખેડૂત નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. આમાં, પંજાબ સરકારે ખેડૂતોને સરહદ ખાલી કરવા કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી દીધી. આ પછી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન મજૂર મોરચા (KMM)ના કન્વીનર સરવન પંઢેર અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના જગજીત ડલ્લેવાલને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

ખેડૂતો 13 ફેબ્રુઆરીથી શંભુ અને ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી જતા હતા ત્યારે હરિયાણા પોલીસે તેમને ત્યાં બેરિકેડિંગ કરીને રોક્યા હતા. તેઓ MSPની ગેરંટી આપતો કાયદો બનાવવાની માગ કરી રહ્યા છે. અગાઉ, તેમણે ચાર વખત દિલ્હી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને શંભુ બોર્ડરથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી.