નવી દિલ્હીઃ સંસદનાં બંને ગૃહોમાં વકફ સુધારા બિલ, 2025 પસાર થઈ ગયું છે. એ દરમિયાન અનેક રાજ્યોમાંથી વિરોધ પ્રદર્શનના અહેવાલો છે. પશ્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર, ઝારખંડ, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને આસામમાં મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યાં છે.
વકફ સુધારા બિલ સામે વિરોધ શુક્રવારની સાંજે જુમ્મે કી નમાઝ પછી અમદાવાદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સંગઠનોના લોકો એકઠા થયા હતા. તેમણે હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને હાથમાં કાળી પટ્ટી બાંધી હતી. પ્રદર્શનકારીઓ ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.પોલીસે AIMIMના પ્રદેશપ્રમુખ સહિત ડઝનબંધ લોકોની અટકાયત કરી હતી અને પ્રદર્શનકારીઓને બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે મુસ્લિમો સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું છે, આ અન્યાય છે. અમે ભારત અને દુનિયાભરમાં આ સંદેશ ફેલાવીશું કે મુસ્લિમો વિરુદ્ધ એક મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ, 2025ના સમર્થનમાં 128 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધ 95 મત પડ્યા હતા. હવે આ પછી તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. જો મંજૂરી મળશે તો તે કાયદો બનશે. અગાઉ, લોકસભામાં લાંબી ચર્ચા બાદ 288 સાંસદોએ બિલના પક્ષમાં મતદાન કર્યું હતું અને 232 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
બીજી બાજુ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વકફ સુધારા બિલનો સખત વિરોધ કર્યો અને કહ્યું હતું કે તેમની પાર્ટી DMK તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને તેની સામે લડત ચાલુ રાખશે.
