ઓપરેશન સિંદૂર પર પૃથ્વીરાજ ચવ્હાણના નિવેદનથી રાજકીય ઘમસાણ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ પોતાના તાજેતરના નિવેદનને લઈને વિવાદોમાં ફસાયા છે. ‘ઓપરેશન સિંદૂર’ અંગે તેમના નિવેદન પર ભાજપે આકરો વિરોધ નોંધાવ્યો છે. જોકે આજે ચવ્હાણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના નિવેદન પર અડગ છે અને માફી નહીં માગે. સવાલના જવાબમાં ચવ્હાણે દલીલ કરી છે કે બંધારણ તેમને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે.

માફી માગવાનો પ્રશ્ન જ નથી: ચવ્હાણ

પુણેમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શરૂ થયેલો આ વિવાદ હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. જ્યારે તેમને માફી અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સાફ શબ્દોમાં વાત કરતાં કહ્યું હતું કે હું માફી શા માટે માગું? એનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. બંધારણ મને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે.

એક દિવસ અગાઉ ચવ્હાણે દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને સંઘર્ષ દરમિયાન ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

પૃથ્વીરાજ ચવ્હાણે શું કહ્યું હતું?

કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે માત્ર ઓપરેશન સિંદૂરની સફળતા પર જ પ્રશ્ન ઊભા કર્યા નથી, પરંતુ ભારતીય વાયુસેનાની (IAF) સ્થિતિ અંગે પણ આશ્ચર્યજનક દાવા કર્યા. તેમણે કહ્યું હતું કે ઓપરેશનમાં વાયુસેના સંપૂર્ણપણે ગ્રાઉન્ડેડ હતી અને એક પણ વિમાને ઉડાન ભરી નહોતી.

તેમનું કહેવું હતું કે જો ગ્વાલિયર, બઠિંડા અથવા સિરસાથી કોઈ વિમાન ઉડાન ભરે તો પાકિસ્તાન દ્વારા તેને તોડી પાડવાની પ્રબળ શક્યતા હતી. તેમણે સવાલ કર્યો હતો કે શું ખરેખર આપણને 12 લાખ સૈનિકોની સેના જાળવી રાખવાની જરૂર છે કે પછી આપણે તેમને કોઈ બીજું કામ સોંપી શકીએ?

સેનાનું અપમાન કોંગ્રેસની ઓળખ: ભાજપ

ભાજપે ચવ્હાણના આ નિવેદનને ભારતીય સશસ્ત્ર દળોનું અપમાન ગણાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસ ભારતીય સશસ્ત્ર દળોથી નફરત કરે છે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે સેનાનું અપમાન — કોંગ્રેસની ઓળખ. ભારતીય સેનાએ આ ઓપરેશન સિંદૂર અંતર્ગત 10થી વધુ આતંકી ઠેકાણાં ધ્વસ્ત કર્યા હતા અને સેંકડો આતંકીઓને ઠાર માર્યા હતા.