બિહાર વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનું પ્રશાંત કિશોરનું એલાન

પટનાઃ જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે એલાન કર્યું છે કે તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય પાર્ટીના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે ના, હું ચૂંટણી નહીં લડું. પાર્ટીએ નક્કી કર્યું છે કે મારી પાસે જે પહેલેથી જ જવાબદારીઓ છે, જો હું એ જ પુરજોશથી કરું તો એ પૂરતું છે. જો હું ચૂંટણી લડવા જઈશ તો બે-ચાર દિવસનું નુકસાન થશે. હું જે હાલનું કામ કરી રહ્યો છું એ જ કરતો રહીશ.

તેમણે એ પણ કહ્યું હતું કે 150થી ઓછી બેઠકો તેમના માટે હાર સમાન છે. તેમણે કહ્યું હતું કે 150થી ઓછી બેઠકો — પછી ભલે 120 હોય કે 130 — એ મારા માટે હાર ગણાશે. જો અમે સારું પ્રદર્શન કરીશું તો અમને બિહારને બદલીને દેશના ટોચનાં 10 પ્રગતિશીલ રાજ્યોમાં સામેલ કરવાની જનમંજૂરી મળશે. જો પ્રદર્શન ખરાબ રહેશે તો એનો અર્થ એ થશે કે લોકોએ અમારા પર વિશ્વાસ નથી વ્યક્ત કર્યો અને અમારે સમાજ અને માર્ગ પરનું રાજકારણ ચાલુ રાખવું પડશે.

જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો એક નવો કાયદો બનાવાશે, જેના અંતર્ગત 100 સૌથી ભ્રષ્ટ નેતાઓ સામે કેસ ચાલશે અને તેમને સજા મળશે. આ બધા જ નેતાઓ અને અધિકારીઓ માટે ચેતવણી છે જે પ્રાર્થના કરી રહ્યા છે કે જન સુરાજ સત્તામાં ન આવે, કારણ કે તેમને ખબર છે કે જો જન સુરાજ સરકાર બનશે તો તેમના ખરાબ દિવસો શરૂ થઈ જશે.

બિહારમાં સત્તારૂઢ NDAની ચોક્કસ હારની આગાહી કરતાં તેમણે કહ્યું હતું કે નીતીશકુમારની આગેવાનીવાળી JDUને 25 બેઠકો જીતવા માટે પણ સંઘર્ષ કરવો પડશે.

બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં છ અને 11 નવેમ્બરે યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરે થશે.