મોરબી: જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યો છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હાલમાં વરસાદ અટક્યો છે ત્યારે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી.
મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા ટ્રેકટર પર બેસીને ધારાસભ્ય સાથે હરિપર ગામની મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે હરિપર ગામમાં બે દિવસથી મચ્છુના પાણી ઘુસી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગામની મુલાકાત લઈને નુકસાનીની સમીક્ષા કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે. મોરબીના હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને CM રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ જાહેરાત મોરબીના પ્રભારી અને મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કરી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ઢવાણા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 17 જેટલા લોકો વરસાદી પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 9 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
“કુદરતી આપત્તિમાં સંવેદનશીલ સરકારશ્રીની સંવેદના અને પરિજનોને સાંત્વના”
મોરબી જિલ્લામાં હળવદના ઢવાણા ગામે ટ્રે્ક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકળામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની સરકારશ્રીએ સંવેદના વ્યક્ત કરી છે. હાલ રાજ્ય સરકાર… pic.twitter.com/wQnQOyyFYT
— Praful Pansheriya (@prafulpbjp) August 28, 2024
મોરબી જિલ્લામાં ખેતીના પાક પર પણ મોટુ જોખમ જોવા મળી રહ્યું છે. જિલ્લાની 3.14 લાખ હેકટર જમીનના પાક ઉપર જોખમ દેખાઈ રહ્યું છે. કારણ કે સમગ્ર જિલ્લામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે અને પીપળીયાથી માળીયા તરફના ખેતરોમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવર કરવામાં પણ પરેશાની થઈ રહી છે અને લોકો હવે વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે