નોઈડા જઈ રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પોલીસે અટકાયત કરી

અલીગઢ: ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતને અલીગઢ પોલીસે કસ્ટડીમાં લીધા છે. તેઓ ખેડૂત નેતાઓની બેઠકમાં ભાગ લેવા ગ્રેટર નોઈડા જઈ રહ્યા હતા. રાકેશ ટિકૈત અને તેમના સાથીઓને યમુના એક્સપ્રેસ વે પર આગળ વધતા અટકાવ્યા બાદ બસ દ્વારા ટપ્પલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અલીગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) એ ટિકૈત સાથે વાત કરી. પોલીસ પ્રવક્તાએ પુષ્ટિ કરી કે રાકેશ ટિકૈતની અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ટિકૈતની અટકાયત કરવામાં આવી છે.

રાકેશ ટિકૈતે પણ મીડિયાને કહ્યું, “પોલીસ ખેડૂતોને તેમના ઘરોમાં રહેવા માટે દબાણ કરીને ગૌતમ બુદ્ધ નગર, નોઈડામાં જતા અટકાવી રહી છે. આ મુદ્દે રાકેશ ટિકૈતે કહ્યું, પોલીસ અમને ક્યાં સુધી કસ્ટડીમાં રાખશે? જો તેઓ અમને બંધ રાખશે, તો તમે કોની સાથે વાત કરશો? જો અધિકારીઓનું આ વલણ ચાલુ રહેશે તો ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે.”

ભારતીય કિસાન યુનિયનએ મંગળવારે રાકેશ ટિકૈતના નેતૃત્વમાં મુઝફ્ફરનગરના સિસૌલી ગામમાં આવેલા ખેડૂત ભવનમાં ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. જેમાં નોઈડા અને ગ્રેટર નોઈડામાં દેખાવો કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવાની ચર્ચા કરવામાં આવી હતી. આ ખેડૂતો જમીનના વળતરનો મુદ્દો અને અન્ય માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે.રાકેશ ટિકૈત અને તેમના સમર્થકો બુધવારે નોઈડામાં ખેડૂતોની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. તેમણે જમીન સંપાદન, વળતર અને ખેડૂતોની જમીનોના કબજાના મુદ્દે સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી હતી. ટિકૈતના નેતૃત્વમાં ખેડૂતોનો કાફલો યમુના એક્સપ્રેસ વેથી નોઈડા તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ રોકી દીધા. પોલીસે ટિકૈત અને તેમના સમર્થકોને યમુના એક્સપ્રેસ વે પર રોક્યા બાદ કસ્ટડીમાં લીધા હતા.