ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં વધી રહેલા તણાવ વચ્ચે એક વિવાદાસ્પદ નિવેદન આપીને નવો વિવાદ ઊભો કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ કાશ્મીરી પ્રદર્શનકારીઓને પણ ભારતની જેમ જ પાકિસ્તાનના દુશ્મન માને છે. આસિફનું આ નિવેદન PoKના રાવલકોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં સામાન્ય નાગરિકોની હત્યાઓ વચ્ચે આવ્યું છે.
અહેવાલો મુજબ PoKના રાવલકોટ વિસ્તારમાં તાજેતરની હિંસા દરમિયાન પાકિસ્તાની સેનાએ છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછા 34 કાશ્મીરી પ્રદર્શનકારીઓને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન PoKમાં થયેલી હિંસાની નવી લહેરમાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયા છે, જેમાં 34 સામાન્ય નાગરિકો અને છ સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા એક વિડિયોમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે હું આઝાદ કાશ્મીરના પ્રદર્શનકારીઓને પણ ભારતની જ શ્રેણીમાં રાખું છું. હું તેમને પણ ભારતની જેમ જ દુશ્મન માનું છું. PoKમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પાંચ જૂનથી અત્યાર સુધીમાં 90થી વધુ લોકોનાં મોત થયાં હોવાનું જણાવવામાં આવ્યું છે. સોશિયલ મિડિયા પર અનેક વિડિયો સામે આવ્યા છે, જેમાં મીરપુર શહેરમાં પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ સામાન્ય નાગરિકો પર ખુલ્લેઆમ ગોળીબાર કરતા અને બાદમાં મૃતદેહોને પોતાનાં વાહનોમાં લઈ જતા દેખાઈ રહ્યા છે.
Pakistan’s Defense Minister, Khawaja Asif, said that the people of Kashmir are like India’s enemies and that no negotiations of any kind will be held with them. pic.twitter.com/IbWd8GpBic
— نیلوفر رحمانی (@NelofarRahmany_) July 29, 2026
મૃતકોમાં મોટા ભાગના લોકો જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC) સાથે જોડાયેલા કાર્યકરો હોવાનું જણાવાયું છે. ઇસ્લામાબાદે આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે તેણે વિસ્તારમાં માનવાધિકાર ઉલ્લંઘનો સામે અવાજ ઉઠાવ્યો હતો. X પરની એક પોસ્ટમાં JAACએ જણાવ્યું હતું કે સામાન્ય લોકોના કાફલાઓ પર ભયાનક ગોળીબાર ચાલુ છે. અમે મૃતદેહો ઉપાડી રહ્યા છીએ. પરંતુ તમે આજે જે નફરત વાવી રહ્યા છો, તેને તમે ક્યારેય સહન કરી શકશો નહીં. સમૂહે પાકિસ્તાની મિડિયાની પણ ટીકા કરી હતી. પાકિસ્તાની મિડિયાએ અહેવાલ આપ્યો હતો કે JAAC રાવલકોટમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. તેના જવાબમાં સંગઠને કહ્યું હતું કે તેઓ કોઈના ઘરમાં ઘૂસ્યા નથી, આ તેમની પોતાની જમીન છે, જેના પર બળજબરીથી કબજો કરવામાં આવ્યો છે.




