PM મોદી આપશે ગુજરાતને રૂ. 34,200 કરોડની યોજનાઓની ભેટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. એ દરમિયાન તેઓ ‘સમુદ્રથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે. PM મોદી પ્રવાસ દરમિયાન 34,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રવાસ ગુજરાતને સમુદ્રી વેપાર, નવનિર્મિત ઊર્જા, આરોગ્ય અને શહેરી વિકાસમાં અગ્રણી બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેઓ ભાવનગર, ધોલેરા અને લોથલની મુલાકાત લેશે, જ્યાં સમુદ્રી અને ઔદ્યોગિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત રહેશે.

ભાવનગર બાદ વડા પ્રધાન ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કરશે. બપોરે તેઓ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે અને લોથલ સ્થિત રાષ્ટ્રીય સમુદ્રી વારસા પરિસરની મુલાકાત લેશે.એ સિવાય PM 26,354 કરોડ રૂપિયાની અન્ય યોજનાઓનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓ સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત છે. તેમાં છારા બંદર પર HPLNG રિગેસિફિકેશન ટર્મિનલ, ગુજરાત IOC રિફાઈનરીમાં એક્રિલિક અને ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ, 600 મેગાવોટ ગ્રીન શૂ પહેલ, PM-કુસુમ હેઠળ 475 મેગાવોટ સોલાર ફીડર, 45 મેગાવોટ બડેલી સોલાર PV પ્રોજેક્ટ અને ધોર્ડો ગામનું સંપૂર્ણ સૌર્રીકરણ સામેલ છે. શહેરી પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે 70 કિ.મી. નેશનલ હાઈવેને ચાર લેનનો બનાવવામાં આવશે.

સ્માર્ટ સિટીનું હવાઈ સર્વેક્ષણ કરશે

PM ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (DSIR) સ્માર્ટ સિટીની હવાઈ મુલાકાત લેશે. તેને હરિત ઔદ્યોગિક શહેર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનશે. બાદમાં, તેઓ લોથલમાં રૂ. 4500 કરોડની કિંમતથી બનતા રાષ્ટ્રીય સમુદ્રી વારસા પરિસરની મુલાકાત લેશે અને તેની પ્રગતિની સમીક્ષા કરશે. આ પરિસર ભારતની પ્રાચીન સમુદ્રી વારસાને સંરક્ષિત કરશે અને પર્યટન, શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય વિકાસનું કેન્દ્ર બનશે.