ગાંધીનગર: સોમવારે મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યૂએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપતાં પહેલાં રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી. તેમણે ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત લઈ છત પર લાગેલી સોલર પેનલ નિહાળી હતી. તેમજ બંગલો માલિક જક્સી સુથાર અને તેમના પત્ની સાથે વાત કરી હતી. વડાપ્રધાનને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા. ગાંધીનગરના કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રેમલસિંઘ ગોલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, વાવોલ મહાત્મા મંદિરની એકદમ નજીક આવેલું હોવાથી વડાપ્રધાન અહીં આવ્યા હતા. પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ગાંધીનગર શહેર-જિલ્લાએ સૌથી વધુ લાભ લીધો છે. શાલીન-2 સોસાયટીમાં કુલ 65 બંગલો છે, જેમાંથી 22 ઘર પર સોલર પેનલ લાગેલી છે.
PM સૂર્ય ઘર યોજના હેઠળ રહેણાક મકાનો માટે સરકાર દ્વારા સબસિડી નક્કી કરવામાં આવી છે. જેમાં 1 કિલો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000ની સબસિડી, 2 કિલો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000ની સબસિડી, 3 કિલો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ભારતના કુલ 1 કરોડ પરિવારોને રૂ. 75,000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા મફત વીજળી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 20 લાખ ઘરોએ પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લીધો છે.