PM મોદી ટ્રેન દુર્ઘટના સ્થળેથી લગાવ્યો ફોન, સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને આપ્યા નિર્દેશ

  • ઓડિશામાં ગમખ્વાર ટ્રેન અકસ્માત
  • અકસ્માતમાં 260 લોકોના મોત થયા
  • PM મોદી ઘટના સ્થળે પહોંચ્યા

ઓડિશામાં ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો 900થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદી ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. PM મોદી જ્યારે ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેઓ ફોન પર કોઈની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તે ફોન પર કોઈને નિર્દેશ આપતા જોવા મળ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ ઘટનાસ્થળેથી જ સીધો દિલ્હી ફોન ડાયલ કર્યો હતો. વડા પ્રધાને તેમના કેબિનેટ સચિવ અને આરોગ્ય પ્રધાન સાથે ફોન પર વાત કરી અને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.


PM મોદીએ ફોન પર શું કહ્યું?

જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટના સ્થળેથી કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી સાથે ફોન પર વાત કરી છે. તેમણે કેબિનેટ સચિવ અને આરોગ્ય પ્રધાનને ઘાયલો અને તેમના પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે તેની ખાસ કાળજી લેવી જોઈએ.


PM મોદીએ આપ્યો ‘સંપૂર્ણ સરકાર’નો અભિગમ

એવું જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ અકસ્માત સ્થળે ચાલી રહેલા રાહત કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે સ્થાનિક અધિકારીઓ, આપત્તિ રાહત દળોના કર્મચારીઓ અને રેલવે અધિકારીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન વડા પ્રધાને આ આપત્તિનો સામનો કરવા માટે ‘સંપૂર્ણ સરકાર’ અભિગમ પર ભાર મૂક્યો હતો.


આ રીતે થયો ટ્રેન અકસ્માત

બાલાસોરમાં ઘટનાસ્થળ પર રેલ્વે મંત્રી અને અધિકારીઓએ આજે ​​વડાપ્રધાન મોદીને અકસ્માતનો અહેવાલ સુપરત કર્યો હતો. આ અહેવાલ મુજબ કોરોમંડલ એક્સપ્રેસ અપ લાઇન પર આવી રહી હતી. કોરોમંડલ એક્સપ્રેસનો ટ્રેક બદલવામાં આવ્યો હતો અને તે લૂપ લાઇન પર આવી હતી. ગુડ્સ ટ્રેન પહેલેથી જ લૂપ લાઇન પર ઊભી હતી. કોરોમંડલ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી અને તેની 21 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. કોરોમંડલના 3 ડબ્બા માલગાડી પર ચડી ગયા હતા. ડાઉન લાઈનમાં 3 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. તે જ સમયે ડાઉન લાઇન પર યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. યશવંતપુર-હાવડા એક્સપ્રેસ લગભગ રવાના થઈ ગઈ હતી તેની સાથે પણ ટક્કર થતા છેલ્લી બે બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ 260 લોકોના મોત થયા છે.