અમદાવાદઃ એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના ભયાનક અકસ્માત પછી આખા દેશમાં શોકની લાગણી છે. આ દુર્ઘટનામાં 265 લોકોનાં મોત થયાં છે. આવી દુઃખદ ઘડીએ ટાટા જૂથે સંવેદનશીલ અને માનવીય અભિગમ દાખવતાં પીડિતોના પરિવારજનોની સહાય માટે મોટી જાહેરાત કરી છે.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ અંગે સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું હતું કે ટાટા જૂથ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને ₹ 1 કરોડની આર્થિક સહાય આપશે.
તેમણે જણાવ્યું હતું અમે એર ઈન્ડિયા ફ્લાઇટ 171ની દુઃખદ ઘટના અંગે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણના દુઃખને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. અમારી સહાનુભૂતિ તે બધા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમ જ તે લોકો સાથે પણ છે, જે આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે.
આ નિવેદનમાં વધુમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટાટા જૂથ તમામ ઘાયલ થયેલા લોકોના સંપૂર્ણ સારવાર ખર્ચનો વહીવટ કરશે અને તેમને તમામ જરૂરી તબીબી સહાય અને સહારો પૂરો પાડવામાં આવશે. આ સિવાય આ અકસ્માતમાં નુકસાન પામેલી બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટર્સ હોસ્ટેલના પુનર્નિર્માણમાં પણ ટાટા જૂથ સહાય આપશે.
તેમણે કહ્યું હતું કે ટાટા જૂથ આ સંકટની ઘડીએ પીડિત પરિવારો અને સમુદાયોની સાથે મજબૂતીથી ઊભું છે. તેમણે વિશ્વાસ આપ્યો કે દરેક જરૂરતમંદ વ્યક્તિને સહાય પૂરી પાડવામાં આવશે અને કોઈ પણ પીડિતને એકલા નહીં છોડવામાં આવે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારના બપોરે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી થોડી જ મિનિટોમાં નજીકના મેડિકલ કોલેજની ઈમારત સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે આજુબાજુની ઘણી ઈમારતોને પણ ગંભીર નુકસાન થયું છે. આ બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા.
