ઉત્તરાખંડ: દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જાય છે. આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા કરવા માટે પહોંચ્યા છે. જો કે જોશીમઠ ખાતે ભૂસ્ખલન થતાં બદ્રીનાથ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. ભૂસ્ખલન સર્જાયું હોવાની જાણ સ્થાનિક તંત્રને થતા તંત્ર દ્વારા ભારે જહેમત બાદ હાઈવે સાફ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. ભૂસ્ખલનનાં 36 કલાક બાદ વાહન વ્યવહાર શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાંકડા રોડ પર ખાઈ અને ભૂસ્ખલનનાં જોખમ વચ્ચે શ્રદ્ધાલુઓ ચારધામની યાત્રાએ આગળ વધ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મહાકાય પથ્થરો તોડી રસ્તો ખુલ્લો કર્યો હતો. જો કે ભૂસ્ખલન વખતે ગુજરાતનાં 300થી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર ફસાયા હોવાની પ્રાથમક માહિતી સામે આવી હતી.
ઉત્તરાખંડમાં, કુમાઉના તેરાઈ ક્ષેત્રમાં સોમવારે ભારે વરસાદને કારણે સ્થિતિ નિયંત્રણ બહાર જોવા મળી હતી. ઉધમ સિંહ નગર જિલ્લાના ખાતિમા અને સિતારગંજના ઘણા વિસ્તારો પૂરમાં ડૂબી ગયા છે. જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચેનો અવરોધિત હાઇવે સોમવારે સવારે 6.30 વાગ્યે વિષ્ણુપ્રયાગ ખાતે ખોલવામાં આવ્યો હતો, પરંતુ હનુમાન ચટ્ટી પાસે ઘુડસિલ ખાતે બંધ કરવામાં આવ્યો હતો. ચલથી પાસે નેશનલ હાઈવેને અડીને આવેલા બેલખેતમાં કવારલા નદી પર 1994માં બનેલો સ્વિંગ બ્રિજ નદીના જોરદાર પ્રવાહને કારણે પડી ગયો હતો. ચંપાવતમાં 24 કલાકમાં 500 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.