નવી દિલ્હી: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ કરી. વડાપ્રધાને આ પુસ્તકને સ્વીકારવાની સાથે-સાથે PMએ પરિમલ નથવાણીના પરિવાર સાથે આનંદની પળો પણ વિતાવી. પરિમલ નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને ‘પ્રોજેક્ટ લાયન અને Lion@2047: અમૃતકાળની પરિકલ્પના’ના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે.વડાપ્રધાને ગીરના પ્રવાસન અંગે પરિમલ નથવાણીને પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સુંદર કોફી ટેબલ બૂક બહાર પાડવા અંગેની પરિમલ નથવાણીની પ્રતિબધ્ધતાને બિરદાવતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે તેમણે વ્યાવસાયિક અને જાહેરજીવનની જવાબદારીઓને સંતુલિત કરીને ‘કોલ ઓફ ધ ગીર’ (ગીરના સાદ)નો પ્રત્યુત્તર આપ્યો છે.રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ આ પ્રસંગે વડાપ્રધાનનો આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું. અગાઉ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે.”