નવી દિલ્હીઃ દિલ્હીના રાજકારણમાં ફરી એક વાર ‘પત્રયુદ્ધ’ શરૂ થયું છે, પરંતુ આ વખતે સ્વર પહેલાં કરતાં ઘણો વધુ આકરો અને વ્યક્તિગત આક્ષેપોથી ભરેલો છે. ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને 15 પાનાંનો પત્ર લખીને માત્ર પ્રદૂષણ માટે તેમને જવાબદાર ઠેરવ્યા નથી, પરંતુ અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા છે.
અરવિંદ કેજરીવાલને સંબોધીને લખેલા પત્રમાં LGએ જણાવ્યું છે કે આજે દિલ્હીમાં જે ઈમરજન્સી જેવી પરિસ્થિતિ છે, તેના માટે તમારી સરકારની 11 વર્ષની ઉપેક્ષા અને ગુનાહિત નિષ્ક્રિયતા જવાબદાર છે. LGએ કેજરીવાલ પર દિલ્હીવાસીઓના સ્વાસ્થ્ય સાથે રમત કરવાનો અને ચૂંટણી હાર્યા બાદ સંવાદના રસ્તા બંધ કરી દેવાનો આરોપ પણ લગાવ્યો છે.
- ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ પત્રમાં એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે લખ્યું છે કે જ્યારે તમે મુખ્ય મંત્રી હતા અને હું આપ સાથે પ્રદૂષણ અંગે વાત કરતો હતો, ત્યારે તમે કહેતા હતા કે આ તો માત્ર 15-20 દિવસનો હોબાળો છે. પછી મિડિયા અને NGOવાળા બધું ભૂલી જશે.
- LGએ દિલ્હીના પ્રદૂષણ માટે પણ અરવિંદ કેજરીવાલને જ જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે જો 11 વર્ષોમાં કંઈ કામ થયું હોત તો આજે દિલ્હીમાં પ્રદૂષણની હાલત આવી ન હોત.

- તેમણે કહ્યું હતું કે તમે ફક્ત મોટી-મોટી જાહેરાતો કરતા હતા, કામ કંઈ કરતા નહોતા. એ સાથે જ સક્સેનાએ જણાવ્યું હતું કે તમે દરેકને હંમેશાં મૂર્ખ બનાવી શકતા નથી. તમારી સાથે પણ એવું જ થયું. દિલ્હીની જનતાએ તમને હરાવ્યા.
- વી.કે. સક્સેનાએ એવો પણ આરોપ લગાવ્યો કે ચૂંટણી હાર્યા બાદ અરવિંદ કેજરીવાલે તેમનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. દીપાવલીની શુભેચ્છા આપવા માટે ફોન કર્યો હતો, ત્યારે ખબર પડી કે કેજરીવાલે LGનો નંબર બ્લોક કર્યો છે.




