પાકિસ્તાન: દેશના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો તેમની મુક્તિની માંગ સાથે ઇસ્લામાબાદમાં પ્રવેશ્યા છે. આ દરમિયાન સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. જેમાં કેટલાંક પોલીસકર્મીનું મોત થયું છે. જ્યારે અનેકો ઘાયલ થયા છે. ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીએ એક વીડિયો સંદેશમાં સમર્થકોને કહ્યું કે, મારા ભાઈઓ, જ્યાં સુધી ઈમરાન આપણી સાથે નહીં હોય ત્યાં સુધી આપણે આ કૂચ ખતમ નહીં કરીએ. હું મારા અંતિમ શ્વાસ સુધી અહીં જ રહીશ અને તમે બધા પણ મને સાથ આપજો.
પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. ઈમરાનના સમર્થકોએ શ્રીનગર હાઈવે પર રેન્જર્સને વાહનોથી કચડી નાખ્યા હતા. જેમાં 4 પેરાટ્રૂપર્સના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી હુમલામાં ચાર રેન્જર્સ અને બે પોલીસ અધિકારીઓના જીવ ગયા છે, જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. કલમ 245 હેઠળ પાકિસ્તાની સેનાને બોલાવવામાં આવી છે. અશાંતિ ફેલાવનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા હાલની સરકારે આદેશ જારી કર્યા છે. જેમાં જુઓ ત્યાં ઠાર કરવાના એટલે કે જોતાં જ ગોળી મારવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.
દેખાવકારો ઇમરાન ખાનની મુક્તિની માંગ કરી રહ્યા છે. તેમણે સંસદ સુધી કૂચ અને ધરણાંની પણ જાહેરાત કરી છે. બીજી તરફ સરકારે કડક નાકાબંધી કરી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ ઈમરાનના સમર્થકોએ બેરિકેડ્સ હટાવી દીધા હતા. જે દરમિયાન પી.ટી.આઈ.ના કાર્યકરોની પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી. 72 વર્ષીય ઈમરાન ખાન ઓગસ્ટ, 2023થી જેલમાં છે.
પી.ટી.આઈ.ના કાર્યકરોએ રેખા પાર ન કરવી જોઈએઃ નકવી
તે જ સમયે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવીએ ઈમરાન સમર્થકોને રેખા પાર ન કરવા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ઈસ્લામાબાદમાં સ્થિતિ પહેલાંથી જ સંવેદનશીલ છે. કારણ કે બેલારુસના રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે ઈસ્લામાબાદની મુલાકાતે છે.