50 વર્ષમાં પ્રથમ વાર, પાકિસ્તાને વૈશાખી પર 6,700થી વધુ ભારતીયોને વિઝા આપ્યા

નવી દિલ્હી: પાકિસ્તાન સરકારે છેલ્લા 50 વર્ષમાં પહેલી વાર 14 એપ્રિલે વૈશાખીના ધાર્મિક તહેવાર માટે 6,700થી વધુ ભારતીય શીખ યાત્રાળુઓને વિઝા આપ્યા છે. મંગળવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી.‘પાકિસ્તાન-ભારત ધાર્મિક પ્રોટોકોલ કરાર 1974’ હેઠળ, કોઈપણ ધાર્મિક તહેવાર માટે વધુમાં વધુ 3,000 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન આવવાની મંજૂરી છે. પરંતુ આ વખતે પાકિસ્તાન સરકારે કુલ 6,751 વિઝા જારી કર્યા છે, એટલે કે, નિર્ધારિત સંખ્યા કરતાં 3,751 વધુ વિઝા આપવામાં આવ્યા છે.

આ વધારાના વિઝા ધાર્મિક બાબતોના મંત્રાલય અને ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)ની ચોક્કસ વિનંતી પર જારી કરવામાં આવ્યા છે. ETPBના અધિક સચિવ સૈફુલ્લાહ ખોખરે આ માહિતી આપી. ભારતમાંથી શીખ શ્રદ્ધાળુઓ શીખ નવું વર્ષ અને ખાલસા પંથની સ્થાપનાના તહેવારની ઉજવણી કરવા માટે 10 એપ્રિલે વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન પહોંચશે.
આ તહેવાર ગુરુદ્વારા નાનકાના સાહિબમાં ઉજવવામાં આવશે

ખોખરે કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાન સરકારે નિર્ધારિત સંખ્યા કરતાં વધુ યાત્રાળુઓને વિઝા આપ્યા છે. બૈસાખીનો મુખ્ય કાર્યક્રમ 14 એપ્રિલે ગુરુદ્વારા જન્મસ્થાન, નનકાના સાહિબ ખાતે યોજાશે. તેમણે કહ્યું, ‘પાકિસ્તાન શીખો માટે બીજા ઘર જેવું છે.’ અમે બધા ભક્તોનું દિલથી સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. પહેલા આ મુખ્ય કાર્યક્રમ હસન અબ્દાલના ગુરુદ્વારા પંજા સાહિબમાં થતો હતો, પરંતુ આ વખતે ભક્તોની સંખ્યામાં વધારાને કારણે, નાનકાના સાહિબની પસંદગી કરવામાં આવી છે.