અમદાવાદઃ કાશ્મીરના પ્રવાસે ગયેલા 28 પ્રવાસીઓને આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલાની ઘટનાને લઈ રાજ્યભરમાં ભારે આક્રોશ છે. આ કાયરતાપૂર્ણ હુમલાને વખોડી આંતકવાદીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રધ્ધાંજલિ આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં બે દિવસથી યોજાઈ રહ્યા છે. આ માટે સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. મોડાસામાં વીએચપી દ્વારા નગરના ચાર રસ્તે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરવામાં આવ્યું હતું.
આ સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યાં હતાં. આ તરફ મોરબી અને મહિસાગર જિલ્લાના વીરપુરમાં સજ્જડ બંધ પાળી આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. વીરપુર તાલુકાના હિન્દુ તેમ જ મુસ્લિમ વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. મોરબીમાં વેપારીઓ અને હિંદુ સંગઠનો દ્વારા મૌન રેલી પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડવામાં આવ્યો હતો અને સાથે જ મોરબીની દુકાનોમાં “ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” જેવાં પોસ્ટરો લાગ્યાં હતાં.
આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આતંકવાદની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ આંતકવાદની અંતિમયાત્રા સરદાર કોમ્પલેક્સથી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી હતી.
Protests across Gujarat against Pahalgam terror attack
