પહેલગામ હુમલોઃ UNએ સૌપ્રથમ વાર TRFને જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા માટે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) જવાબદાર છે. TRFએ હુમલા પછી બે વખત દાવો કર્યો હતો, એમ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સેન્શન્સ મોનિટરિંગ ટીમે બુધવારે વૈશ્વિક આતંકી સંગઠનો અંગે રિપોર્ટ જાહેર કર્યો હતો. TRFએ હુમલાવાળા દિવસે એટલે કે 22 એપ્રિલે ઘટનાસ્થળના ફોટો પણ પ્રકાશિત કર્યા હતા. બીજા દિવસે ફરીથી જવાબદારી લીધી, પરંતુ 26 એપ્રિલે અચાનક પોતાનો દાવો પાછો ખેંચી લીધો. આ પછી TRF તરફથી કોઈ નિવેદન આવ્યું નહોતું.

સંયુક્ત રાષ્ટ્રનો આ 36મો રિપોર્ટ ISIS, અલ કાયદા અને સંબંધિત સંગઠનો પર આધારિત છે. અહેવાલ મુજબ- એક સભ્ય દેશે જણાવ્યું હતું કે આ હુમલો પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈયબા (LeT)ની મદદ વિના શક્ય ન હતો. TRF અને LeT વચ્ચે સાંકળ છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે પહેલગામ વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે અને આતંકી સંગઠનો આ તણાવનો લાભ લેવા ફરી પ્રયાસ કરી શકે છે. પહેલગામની બાયસરન ઘાટીમાં 22 એપ્રિલે આતંકીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો, જેમાં એક નેપાળી નાગરિક સહિત કુલ 26 લોકો (હિન્દુઓ)નાં મોત થયાં હતાં.

TRFને અમેરિકાએ આતંકી સંગઠન જાહેર કર્યું છે

18 જુલાઈએ અમેરિકાએ TRFને વિદેશી આતંકી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકી (SDGT) તરીકે જાહેર કર્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ જાણકારી આપી હતી.

“TRFએ ભારતીય સુરક્ષા દળો પર અનેક હુમલાની જવાબદારી લીધી છે, જેમાં 2024નો હુમલો પણ સામેલ છે. અમેરિકી સરકારનો આ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પહેલગામ હુમલાના દોષીઓને ન્યાય આપવા માટેના પ્રયાસોનો ભાગ છે. આ પગલું બતાવે છે કે ટ્રમ્પ સરકાર દેશની સુરક્ષા માટે ગંભીર છે અને આતંકવાદ સામે મજબૂતીથી ઊભી છે.