ગાંધીનગર: લોકસભાની ચૂંટણી બાદ 4 જુલાઇથી બે દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક સાળંગપુર ધામ- બોટાદ ખાતે યોજાનાર છે. ત્યારે આ બેઠકમાં પર સમગ્ર ગુજરાતની નજર છે. આ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નકકી કરવા ઉપરાંત પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થઇ શકે છે.ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન પહેલા જ તેમની મુદત પુરી થઇ ગઇ હતી ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક પૂર્વે પ્રદેશ કારોબારીમાં કાર્યકારી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવે તેવી શકયતા દર્શાવાય છે. આ સિવાય લોકસભાની ચુંટણીના પરિણામો અંગે મનોમંથન કરી ભાવી રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવે તેવી શકયતા છે.ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે વિસ્તૃત માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે મીડિયાને સમગ્ર માહિતી આપી હતી. આ કારોબારી બેઠકમા કેન્દ્રીયનેતૃત્વ પણ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. કારોબારી બેઠકમા પ્રદેશના હોદ્દેદારથી મંડળના પ્રમુખ સુઘીના કાર્યકર્તાઓની હાજરી અપેક્ષિત છે. 1300થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ કારોબારી બેઠકમા ભાગ લેવાના છે. સૌરાષ્ટ્રાના સાળંગપુર ધામ- બોટાદ ખાતે પુરુષોતમ મંદિરમાં ગુરુવારે બપોરે 3 વાગ્યાથી ભાજપની કારોબારી શરૂ થશે. જે બીજા દિવસે 5 જુલાઈ સુધી ચાલશે. કારોબારીની બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કારોબારીમાં હાજર રહેશે.