જયપુરઃ રાજસ્થાનના પાટનગર જયપુરમાં એક હાઇ સ્પીડ SUV કારે રસ્તા પર અનેક લોકોને કચડ્યા છે. શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં દારૂના નશામાં ફેક્ટરી માલિકે સાત કિમી સુધી પૂરપાટ ઝડપે SUV હંકારી હતી, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે નવ અન્ય લોકો ઘાયલ થયા છે.
નશામાં ધૂત કારચાલકે બેકાબૂ SUV કાર દ્વારા ચાલતા જઈ રહેલા નવ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સોમવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ બની હતી.
શહેરના MI રોડ પર એક બેકાબૂ કારે વાહનોને ટક્કર મારી રહી હોવાની પ્રથમ માહિતી મળી હતી. આ પછી કાર શહેરની સાંકડી શેરીઓમાં ઘૂસી હતી. નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. અહીંથી લગભગ એક કિલોમીટર દૂર, કાર એક સાંકડી ગલીમાં ફસાઈ ગઈ અને લોકોની મદદથી પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી. લોકો નાહરગઢ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ મૃતકો માટે વળતરની માગ કરી રહ્યા છે.
એડ. DCP (ઉત્તર) બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવર, ઉસ્માન ખાન (62)એ લગભગ 500 મીટરના વિસ્તારમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું. નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષી માતાના મંદિર પાસે આરોપી ડ્રાઇવરે પહેલા સ્કૂટર-બાઇકને ટક્કર મારી અને પછી રસ્તા પર ચાલતા લોકોને કચડીને ભાગી ગયો. આરોપીએ પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલાં વાહનોને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શાસ્ત્રીનગર રહેવાસી વિરેન્દ્ર સિંહ (48), મમતા કંવર (50), નાહરગઢ રોડ નિવાસી મોનેશ સોની (28), માનબાગ ઢોર શારદા કોલોની રહેવાસી મોહમ્મદ જલાલુદ્દીન (44) ઘાયલ થયા છે.
આ દરમિયાન, સંતોષી માતા મંદિર વિસ્તારની રહેવાસી દીપિકા સૈની (17), વિજય નારાયણ (65), ઝેબુન્નીશા (50), અંશિકા (24) અને ગોવિંદરાવ જી માર્ગના રહેવાસી અવધેશ પારીક (37)ને પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ મમતા કંવર અને અવધેશને મૃત જાહેર કર્યા હતા. મંગળવારે સવારે અન્ય એક ઘાયલ વીરેન્દ્ર સિંહનું મોત નીપજ્યું.
