જયપુરઃ પત્રકાર કોલોની વિસ્તારમાં ખરબસ સર્કલ પાસે એક ઝડપી લક્ઝરી કારે પગપાળા ચાલતા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે 15 લોકો ઘાયલ થયા. ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને સારવાર માટે સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુવસાર કાર પહેલાં ડિવાઇડર સાથે અથડાઈ, ત્યાર બાદ બેકાબૂ બની ગઈ અને લગભગ 30 મીટરના વિસ્તાર સુધી રસ્તા કિનારે આવેલા સ્ટોલો અને ખાવા-પીવાના ઠેલાઓને ટક્કર મારતી આગળ વધતી રહી અને અંતે અટકી. આ ઘટનામાં અનેક ઊભી ગાડીઓ પણ નુકસાનગ્રસ્ત થઈ, જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
પોલીસના જણાવ્યાનુસાર કારમાં ચાર લોકો સવાર હતા અને બધા કથિત રીતે નશામાં હતા. એક વ્યક્તિની ધરપકડમાં કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકો ફરાર થઈ ગયા છે. ઉપરાંત, વાહન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે જયપુરની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જેમાંથી આઠને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે અન્યને ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા અને કેટલાક લોકો પોતાના પરિવારજનો સાથે ઘરે પરત ફર્યા છે. આ દરમિયાન, ઘાયલોમાંના એક ભીલવાડા નિવાસી રમેશ બૈરવાનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે જણાવ્યું હતું કે ચાર ગંભીર રીતે ઘાયલ દર્દીઓને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
SHOએ આપી માહિતી
SHO ગુરભૂપિંદર સિંહે જણાવ્યું હતું કે લગભગ રાત્રે 9:30 વાગ્યે અમને અકસ્માતની માહિતી મળી. અનેક લોકો ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે ભારે ભીડ જમા થઈ ગઈ હતી. માનવીય દૃષ્ટિકોણ અપનાવીને, ઘાયલોને તરત ખાનગી વાહનો, પોલીસ ચેતક વાન અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
CMએ અધિકારીઓને આપ્યા નિર્દેશ
મુખ્ય મંત્રી ભજનલાલ શર્માએ એક વ્યક્તિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા.


