ઓસ્કાર 2026: ‘કાંતારા: ચેપ્ટર 1’, ‘તન્વી ધ ગ્રેટ’ દાવેદાર ફિલ્મોમાં સામેલ

નવી દિલ્હીઃ 98મા એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કારની ઘડી નજીક આવી રહી છે. ભારતીય સિનેમાએ ફરી એક વાર વિશ્વના સૌથી મોટા ફિલ્મ મંચ પર પોતાની ઓળખ મજબૂત કરી છે. આ વર્ષે બે શાનદાર ભારતીય ફિલ્મો—ઋષભ શેટ્ટીની ‘કાંતારા: ચેપ્ટર 1’ અને અનુપમ ખેરની ‘તન્વી ધ ગ્રેટ’—બેસ્ટ પિક્ચર કેટેગરી માટે પાત્ર ફિલ્મોની લાંબી યાદીમાં સામેલ થઈ છે.

આ વર્ષે કુલ 317 ફીચર ફિલ્મો ઓસ્કાર માટે પાત્ર ઠરી છે, જેમાંથી 201 ફિલ્મોને બેસ્ટ ફિલ્મની યાદીમાં સ્થાન મળ્યું છે. આ બંને ભારતીય ફિલ્મોએ પણ વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ બનાવી છે. આ ફિલ્મો ઓસ્કારની આ યાદીમાં ત્યારે સામેલ થાય છે, જ્યારે તે કેટલાક કડક નિયમો પૂર્ણ કરે છે. સૌપ્રથમ, ફિલ્મને 2025 દરમિયાન અમેરિકાનાં ટોચનાં 50 બજારોમાં ઓછામાં ઓછાં 10 સ્થળોએ થિયેટરમાં રિલીઝ થવી જરૂરી છે અને ત્યાં ઓછામાં ઓછા સાત દિવસ સતત ચાલવી જોઈએ.

ફિલ્મના નિર્માતાઓએ એક ખાસ ફોર્મ ભરવું પડે છે, જેને Academy Representation and Inclusion Standards (RAISE) કહેવામાં આવે છે. આ ફોર્મ દ્વારા ખાતરી કરવામાં આવે છે કે ફિલ્મમાં સમાજના દરેક વર્ગનું સન્માન કરવામાં આવ્યું છે અને વિવિધતા તથા સમાવેશને ધ્યાનમાં લેવામાં આવ્યું છે.

આ માટે ચાર માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા બે માપદંડ પૂર્ણ કરવા ફરજિયાત છે. તેમાં ઓન-સ્ક્રીન પાત્રોમાં વિવિધતા, ફિલ્મની ટીમમાં વિવિધ સમુદાયના લોકોની ભાગીદારી અને ફિલ્મનિર્માણ દરમિયાન સમાવેશની કાળજી જેવા મુદ્દાઓ સામેલ છે. 22 જાન્યુઆરી 2026એ ઓસ્કારના નામાંકનની જાહેરાત થશે અને ત્યાર બાદ તેમાંથી વિજેતાને ઓસ્કાર આપવામાં આવશે. જો આ બંને ફિલ્મો નામિત થાય છે, તો તે ભારતીય સિનેમા માટે અત્યંત મોટી સિદ્ધિ હશે.