ઓસ્કાર 2025: શ્રેષ્ઠ અભિનેત્રી, દિગ્દર્શક, ફિલ્મ સહિત અનોરાએ પાંચ એવોર્ડ જીત્યા

લોસ એન્જલસ: 97મો એકેડેમી એવોર્ડ્સ 2 માર્ચના રોજ ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કોનન ઓ’બ્રાયન કરી રહ્યા હતા. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી હતી. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું. બધાની નજર જેક્સ ઓડિયર્ડની ફિલ્મ એમિલિયા પેરેઝ પર હતી કારણ કે તેને 13 નોમિનેશન મળ્યા હતા. પરંતુ તે સીન બેકરની અનોરા ફિલ્મે તેને માત આપી . આ ફિલ્મે શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ મૂળ પટકથા અને શ્રેષ્ઠ ફિલ્મ સંપાદન સહિત પાંચ ઓસ્કાર જીત્યા હતા.

એમિલિયા પેરેઝને બે મળ્યા. ઝો સલદાનાએ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યો અને ફિલ્મે શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ પણ જીત્યો.કોન્ક્લેવે શ્રેષ્ઠ અનુકૂલિત પટકથાની શ્રેણીમાં એવોર્ડ જીત્યો.

ઓસ્કાર શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય એન્ટ્રી અનુજા હતી – શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ માટે તે નામાંકિત થઈ હતી. આ ફિલ્મ આઈ એમ નોટ રોબોટ સામે હારી ગઈ, જેનાથી આ વર્ષે ભારતની આશાઓ તૂટી ગઈ. આ ફિલ્મને પ્રિયંકા ચોપરા અને બે વખત ઓસ્કાર વિજેતા ગુનીત મોંગા જેવા મોટા નામોએ ટેકો આપ્યો હતો.એડ્રિયન બ્રોડીને ધ બ્રુટાલિસ્ટ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે માઇકી મેડિસનને અનોરા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.કિરન કલ્કિનને અ રિયલ પેઇનમાં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર મળ્યો હતો. ઝો સલ્ડાનાને એમિલિયા પેરેઝમાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.

કોનન ઓ’બ્રાયન દ્વારા આયોજિત 97મા એકેડેમી એવોર્ડ્સમાં તાજેતરના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગના નાયકો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

શોની શરૂઆત વિકેડના ઓસ્કાર-નોમિનેટેડ સ્ટાર્સ એરિયાના ગ્રાન્ડે અને સિન્થિયા એરિવોના પ્રદર્શનથી થઈ હતી. આ ઉપરાંત, દોજા કેટ, બ્લેકપિંકની લિસા અને રેયે જેમ્સ બોન્ડ ફિલ્મોના સંગીતને શ્રદ્ધાંજલિ આપવામાં ભાગ લીધો હતો. શોમાં લોસ એન્જલસ માસ્ટર ચોરલે દ્વારા ખાસ હાજરી પણ આપવામાં આવી હતી.